________________
પ્રસ્તાવના
વૈરાગ્યનો ક્યાં સંભવ છે તે બતાવ્યા પછી વિચારકને જિજ્ઞાસા થાય કે, આ વૈરાગ્ય એક જ પ્રકારનો છે કે અનેક પ્રકારનો છે? તેથી વૈરાગ્યનો યથાર્થ બોધ પણ અધ્યાત્મની વૃદ્ધિમાં ઉપયોગી હોવાથી ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ, વૈરાગ્યભેદ અધિકારમાં બતાવેલ છે. વૈરાગ્યના દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકાર છે.
સામાન્ય રીતે વૈરાગ્ય એ વિષયોથી વિરક્તભાવરૂપ છે, તો પણ સંસારમાં જીવને ઘણાં દુઃખોની પ્રાપ્તિ થતાં સંસારથી વિરક્ત થાય છે અને ધર્મમાં પ્રવૃત્ત થાય છે, તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. છતાં આ દુઃખગર્ભિત વૈરાગ્ય થયા પછી સંસારના સ્વરૂપનો સમ્યગુ બોધ ન થાય તો, દુઃખને કારણે ભોગથી વિરક્ત થયેલ જીવ પણ, ફરી ભોગની સામગ્રીને પામીને ભોગસુખનો અર્થી બને છે; તેથી દુઃખગર્ભિત વૈરાગ્ય સંસારના ઉચ્છેદનું કારણ બનતો નથી. આમ છતાં, દુઃખને કારણે વિરક્ત થયેલા જીવો વિશેષ સામગ્રીને પામીને કઈ રીતે મોક્ષના સુખને જાણનારા બને છે, અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યને પામીને આત્મકલ્યાણ સાધી શકે છે, તે વાત પણ પ્રસ્તુત અધિકારમાં જણાવેલ છે. અને દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો સંસારને છોડીને પણ અને શાસ્ત્રને ભણીને પણ, કઈ રીતે કલ્યાણ સાધી શકતા નથી, તેનો પણ વિસ્તારથી બોધ પ્રસ્તુત અધિકારમાં કરાવેલ છે. વળી આમાં, આ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવોનું સ્વરૂપ અને તેમનું માનસ કેવું હોય છે, અને તેમની શાસ્ત્રાદિ ભણવાની પ્રવૃત્તિ પણ કેવી નિસાર હોય છે, તે પણ બતાવેલ છે.
બીજા પ્રકારના જીવો મોહગર્ભિત વૈરાગ્યવાળા છે. મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો કુશાસ્ત્રને ભણીને ભવને નિર્ગુણરૂપે જાણે છે, તેથી ભવથી વિરક્ત પણ હોય છે. તેમ છતાં કુશાસ્ત્રના અભ્યાસને કારણે બુદ્ધિમાં વિપર્યાસ હોય છે, તેથી ભવથી વિરક્ત હોવા છતાં તેમનો વૈરાગ્ય મોક્ષનું કારણ બનતો નથી. જૈન દર્શનમાં રહેલા પણ સ્વમતિની કલ્પના પ્રમાણે શાસ્ત્રને યોજીને જેઓ વિપર્યાય બુદ્ધિવાળા છે, તેઓને પણ મોહગર્ભિત વૈરાગ્ય છે. આવા મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને ભોગોથી વિરક્ત ભાવ હોવા છતાં, તપ-સંયમની આચરણા હોવા છતાં, ભગવાનના વચનની રુચિ નહીં હોવાને કારણે પારમાર્થિક શુભ