________________
પ્રસ્તાવના
આ અધ્યાત્મની વૃદ્ધિના અનન્ય ઉપાયરૂપ નિર્દભ આચાર છે. તેથી અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યા પછી દંભત્યાગ અધિકારમાં દંભના અનર્થો શું છે, તથા કોઈ જીવ રસનેન્દ્રિયના વિષયો, વેશભૂષા, કામભોગ વગેરેને છોડી શકે, છતાં દંભસેવનનો ત્યાગ કઈ રીતે દુષ્કર છે, અને મહાત્યાગને કર્યા પછી પણ દંભના સેવનથી જ જીવો અધ્યાત્મમાર્ગથી કઈ રીતે દૂર થાય છે, તેનો વિશદ બોધ પ્રસ્તુત અધિકારથી થાય છે.
આ રીતે દંભનો ત્યાગ કરીને જ્ઞાન-ક્રિયામાં યત્ન કરવાથી અધ્યાત્મની વૃદ્ધિ થાય છે, તો પણ અધ્યાત્મની વિશેષ વૃદ્ધિ માટે ભવસ્વરૂપનું ચિંતવન આવશ્યક છે; કારણ કે, ભવસ્વરૂપના ચિંતવન વગર વૈરાગ્યમાં સ્થિર થવાતું નથી, અને અનાદિના અભ્યાસના કારણે જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મના સેવનમાં શૈથિલ્ય આવે છે. તેથી દંભત્યાગ અધિકાર બતાવ્યા પછી વૈરાગ્યની વૃદ્ધિ માટે ભવસ્વરૂપનું ચિંતવન કઈ રીતે કરવું, તે ચોથા અધિકારમાં બતાવે છે.
સામાન્ય રીતે ભવસ્વરૂપને જાણીને જ જીવ અધ્યાત્મના સેવન માટે સન્મુખ થાય છે. તો પણ અનાદિના ભવઅભ્યાસને કારણે પ્રમાદ દોષ આવે છે અને તેથી અધ્યાત્મની પ્રવૃત્તિ ઘન બનતી નથી. તેથી જ ભવના સ્વરૂપને અનેક દૃષ્ટાંતોથી પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. આ રીતે વારંવાર ભવસ્વરૂપનું અવલોકન કરવામાં આવે, તો સંસારનું આકર્ષણ ઘટતું જાય છે અને ચિત્ત વૈરાગ્યથી વાસિત બને છે, જેથી નવું નવું શ્રુતજ્ઞાનનું અધ્યયન કરવામાં તથા તેને અનુરૂપ ઉચિત ક્રિયા કરવામાં જીવ ઉત્સાહિત બને છે.
વળી, આ ભવસ્વરૂપના ચિંતવન અધિકારમાં એ પણ વિશેષ બતાવેલ છે કે, આત્મિક સુખ જ શ્રેષ્ઠ છે, અને સંસારનું સુખ તો તેની સરખામણીમાં તુચ્છ અને નિઃસાર છે. આ અધ્યાત્મમાં સુદઢ પ્રવૃત્તિ કરવાથી વર્તમાનમાં પણ સંસારના સુખ કરતાં પણ અતિશયિત એવું આત્મિક સુખ કઇ રીતે પ્રગટે છે, અને તે પ્રકર્ષને પામીને કઈ રીતે પૂર્ણ સુખમાં પરિણમન પામે છે, તેનો પણ બોધ આ અધિકારમાં કરાવેલ છે.
ભવસ્વરૂપના ચિંતવનથી કયા જીવમાં વૈરાગ્ય સંભવી શકે, તે વાત પાંચમા-વૈરાગ્યસંભવ અધિકારમાં બતાવેલ છે. અહીં સૌ પ્રથમ વૈરાગ્યનું લક્ષણ