________________
પ્રસ્તાવના
(અધ્યાત્મસાર : અધિકાર-૧ થી ૭)
* : પ્રસ્તાવના :
અધ્યાત્મ એટલે આત્માને પોતાના ભાવમાં જવાને અનુકૂળ એવી ક્રિયા, અને તે ભૂમિકાના ભેદથી અનેક પ્રકારે છે. આ અધ્યાત્મક્રિયાનો સાર શું છે? તે બતાવવા માટે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે.
પ્રસ્તુત ગ્રંથના કુલ-૭ પ્રબંધ અને તેના પેટા વિભાગરૂપે કુલ-૨૧ અધિકાર છે, જે પૈકી બે પ્રબંધ અને ૭ અધિકારનો પ્રસ્તુત પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકારે માંગલિક કરતાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોને તથા અન્ય પણ તીર્થકરોને તેમ જ ગુરુઓને નમસ્કાર કરેલ છે.
પ્રથમ અધિકારમાં અધ્યાત્મનું માહાભ્ય બતાવ્યું છે, જેથી તે સાંભળીને શ્રોતાની અધ્યાત્મ જાણવાની જિજ્ઞાસા ઉત્કટ બને.
અધ્યાત્મના માહાભ્યને બતાવ્યા પછી અધ્યાત્મનું સ્વરૂપ જાણવાની ઉત્કંઠાવાળી વ્યક્તિને બીજા અધિકારમાં અધ્યાત્મનું સ્વરૂપ બતાવે છે. આ અધ્યાત્મ અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે, અને તે અધ્યાત્મના અધિકારી અને અનધિકારી જીવો કેવા હોય છે, તેનું સ્વરૂપ બતાવેલ છે. વળી, અધ્યાત્મને જાણવાની સંજ્ઞા ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી, ઉત્તરોત્તર અધ્યાત્મના પરિણામને કારણે જીવમાં અસંખ્યાતગણી અધિક કર્મની નિર્જરા થાય છે, તે વાત શાસ્ત્રમાં કહી છે; અને તે અધ્યાત્મ જ્ઞાન-ક્રિયારૂપ કઈ રીતે છે તથા નિશ્ચયનયથી પાંચમા ગુણસ્થાનકથી અને વ્યવહારનયથી અપુનર્ધધક અવસ્થાથી અધ્યાત્મ કઈ રીતે સ્વીત છે, તેનો વિશદ બોધ અધ્યાત્મસ્વરૂપ અધિકારમાં કરાવેલ છે.
વળી વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનો કઈ રીતે અધ્યાત્મ સાથે સંલગ્ન છે, તેનો પણ સારો બોધ પ્રસ્તુત અધિકારથી થાય છે.