________________
સંકલન વેળાએ પ્રાસ્તાવિક
આશરે ચારેક વર્ષ પૂર્વે પૂ.પં. શ્રી જિતેન્દ્રભાઈ શાહના મુખે “અધ્યાત્મસાર” ગ્રંથની વાચનાનો લાભ મળ્યો, ત્યારે અધ્યાત્મમાર્ગનો ઝાંખો ઝાંખો અરુણોદયનો પ્રકાશ દેખાયો. હાલમાં જ્યારે ગીતાર્થ ગંગા તરફથી પ્રસ્તુત ગ્રંથની પૂ. પં. શ્રી પ્રવીણભાઈ મોતાની વાચનાને શબ્દદેહે રજૂ કરવાની પુણ્યતિક આપવામાં આવી, ત્યારે જાણે કે અધ્યાત્મમાર્ગના સૂર્યોદયની શરૂઆતની વેળાના પથરાઈ રહેલા પ્રકાશને જોયાનો આનંદ અનુભવી રહી છું. વળી, ધર્મપ્રેમી અને સરળ સ્વભાવી એવા અમારા વડીલ પૂ. શ્રી હસમુખભાઈની ટૂંકી માંદગી બાદ થયેલ અવસાનની દુઃખદ ઘટના બાદ ખેદસભર બનેલા ચિત્તમાં ખૂબ મનોમંથન થયું અને તેના નિષ્કર્ષરૂપે અધ્યાત્મમાર્ગને વિશેષથી જાણવાની ઉત્કટ ઈચ્છા જાગી.
આ ગ્રંથના પ્રૂફસંશોધનાદિ કાર્યમાં પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના સાધ્વીજી શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી મ.સા. તથા સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહ પોતાનો કીંમતી સમય આપી ઘણો સહકાર આપેલ છે અને ઉત્તમ સ્વાધ્યાયનો લાભ આપી ઉપકૃત કરવા બદલ કૃતકૃત્યતાની લાગણી પ્રદર્શિત કરેલ છે.
પંચમકાળમાં જ્યારે સાક્ષાત્ મોક્ષ અલભ્ય છે ત્યારે, અધ્યાત્મની સીડીનાં કેટલાંક પગથિયાં ચડીને આપણે સૌ મોક્ષના માર્ગ સુધી પહોંચવાને ધીરે ધીરે પણ યત્ન કરીએ, અને અંતિમ લક્ષ્મ-મોક્ષને ગણતરીના ભવોમાં મેળવી શકીએ, તથા એ માટે દેવ-ગુરુ-ધર્મની કૃપા પામીએ એ જ અભ્યર્થના સહ.
છબસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ જાણતા કે અજાણતાં પણ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- શ્રીમતી પારૂલબેન હેમંતભાઈ પરીખ
૨૧, તેજપાળ સોસાયટી, ફતેહનગર, પાલડી, અમદાવાદ-૭. તા. ૧-૬-૨૦૦૧