________________
સંકલન વેળાએ પ્રાસ્તાવિક
(
સંકલન વેળાએ પ્રાસ્તાવિક
છે
પંચમકાળમાં અધ્યાત્મમાર્ગના અર્થી જીવો માટે બે જ અવલંબન ઉપલબ્ધ છે, અને તે છે. શ્રી જિનબિંબદર્શન અને શ્રી જિનવાણીશ્રવણ. શ્રી જિનબિંબનાં દર્શન કરીને આ શ્રી જિનેશ્વર ભગવંતના ગુણો ક્યા, અને તે ગુણોને તેઓએ કઈ રીતે સાધ્યા, તે બાબત જાણવાની ઈચ્છાવાળા તથા પોતે પણ એવા ગુણોને પ્રાપ્ત કરે તેવી જિજ્ઞાસા ધરાવતા જીવો માટે, શ્રી જિનવાણીશ્રવણરૂપી આલંબનનો આશરો લેવો આવશ્યક બને છે. આવા જિજ્ઞાસુઓ માટે પ્રભુના શ્રીમુખે કહેવાયેલા અને શ્રી ગણધર ભગવંતો દ્વારા રચાયેલા આગમગ્રંથોનું સીધેસીધું પઠન થોડું દુષ્કર બને. પરંતુ પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી, પૂ. હરિભદ્રસૂરીશ્વરજી, પૂ. હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી યશોવિજયજી મહારાજ ઉપાધ્યાય જેવા અનેક જ્ઞાની મહાનુભાવોએ આ આગમોના સારરૂપે અનેક નાના મોટા જે ગ્રંથોની લોકભોગ્ય ભાષાશૈલીમાં રચના કરી છે, તે સાધક જીવોને ઘણા જ ઉપયોગી થયા છે.
આ સર્વમાં “અધ્યાત્મસાર'પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આશરે ૩૦૦ વર્ષ પહેલાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃતમાં રચેલ ૯૫૦ શ્લોક પ્રમાણ એવા આ ગ્રંથને વાંચીને ખરેખર એમ લાગે કે, પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાની સાધનાના પ્રબળ પ્રભાવથી અધ્યાત્મમાર્ગનો યથાર્થ બોધ અને અનુભવ કર્યો છે, અને તેથી જ આવા અતીન્દ્રિય અધ્યાત્મમાર્ગને ખૂબ જ સરળ શબ્દો દ્વારા પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવ્યો છે. ગ્રંથના પ્રારંભમાં અધ્યાત્મ શું છે તે, અને તેનું માહાભ્ય બતાવીને તેમાં કેવી રીતે પ્રવેશ કરવો, તેનો ક્રમ બતાવ્યો છે અને બાળજીવ પણ શબ્દ દ્વારા અધ્યાત્મમાર્ગને સ્પર્શે અને તે માટે દંભત્યાગ, ભવસ્વરૂપનું ચિંતવન, વૈરાગ્યનો ઉદ્ભવ, વૈરાગ્યના ભેદ, વિષયોનું જ્ઞાન, વૈરાગ્યની સ્થિરતા માટે મમતાનો ત્યાગ આદિ વિકાસક્રમને સાધે, તથા આત્મિક સુખરૂપ અંતિમ લક્ષ્યને પામે તે જ હેતુથી આ મહાન ગ્રંથને જિજ્ઞાસુઓ સમક્ષ મૂક્યો છે.
અધ્યાત્મ=+ આત્મા = આત્મામાં રહેવું. આત્મામાં રહેવું, એટલે આત્માના પોતાના મૂળ સ્વભાવમાં જવું અને તે માટે જ્ઞાન-ક્રિયામાં યત્ન, એ જ અધ્યાત્મમાર્ગ છે.