________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૫
૨૪૫
સાધુ સ્થૂલ અને સૂક્ષ્મ એવા સર્વ જીવોની હિંસાથી વિરતિ કરે છે. તેથી સાધુ કોઈ આરંભવાળી પ્રવૃત્તિ ક૨તા નથી કેવલ સમભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત ક્રિયાઓ કરે છે અને તેની પુષ્ટિ થાય તે રીતે દેહનો નિર્વાહ કરે છે. તેથી સાધુને સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ હોવાથી વીશ વસા જીવદયા છે.
શ્રાવકને સવા વસારૂપ હિંસાનું વર્જન કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે
ગૃહસ્થ સ્થૂલપ્રાણાતિપાતરૂપ સ્થૂલ બેઇંદ્રિયાદિ જીવોની હિંસાની નિવૃત્તિ કરે છે. સૂક્ષ્મ પૃથ્વી આદિ જીવોની હિંસાની નિવૃત્તિ કરતા નથી તે અપેક્ષાએ સાધુને જે સંપૂર્ણ હિંસાની નિવૃત્તિ વીશ વસા છે તેના કરતાં શ્રાવકને જીવહિંસાની નિવૃત્તિ અડધી પ્રાપ્ત થાય છે. માટે ૧૦ વસાની પ્રાપ્તિ થઈ.
વળી, સ્થૂલપ્રાણાતિપાતનું વ્રત પણ બે પ્રકારનું છે – સંકલ્પથી અને આરંભથી. તેમાં શ્રાવક સંકલ્પથી સ્થૂલ હિંસાનો ત્યાગ કરે છે, આરંભથી સ્થૂલ હિંસાનો ત્યાગ કરતો નથી. આથી જ પોતાની જીવનવ્યવસ્થા અર્થે વાહન આદિમાં જાય છે ત્યારે ત્રસાદિ જીવોની પણ હિંસા થાય છે. તેથી ત્રસાદિ જીવોની હિંસામાં પણ આરંભથી થના૨ી હિંસાનું વર્જન નહીં થવાથી ૧૦ વસામાંથી અડધી હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થઈ માટે ૫ વસાની પ્રાપ્તિ થઈ.
વળી શ્રાવક જે સંકલ્પથી હિંસાની નિવૃત્તિ કરે છે તેમાં પણ બે વિકલ્પો છે સાપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ અને નિરપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ. શ્રાવક નિરપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ કરે છે, સાપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ કરી શકતો નથી. પરંતુ સાપરાધ જીવોની હિંસામાં ગુરુ-લાઘવનું આલોચન કરે છે. તેથી સાપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ નથી, માત્ર નિરપરાધ જીવોની હિંસાની નિવૃત્તિ છે. માટે ૫ વસામાંથી અડધી=૨ (અઢી) વસાની હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થઈ.
વળી, નિરપરાધ જીવોની હિંસામાં પણ બે વિકલ્પો છે ૧. સાપેક્ષ અને ૨. નિરપેક્ષ. ત્યાં નિરપેક્ષપણાથી હિંસાની શ્રાવક નિવૃત્તિ કરે છે, સાપેક્ષપણાથી હિંસાની નિવૃત્તિ કરી શકતો નથી; કેમ કે પુત્રાદિ પ્રત્યે રાગ હોવાથી પુત્રાદિ સંસારની કોઈ પ્રવૃત્તિ બરાબર ન કરતા હોય ત્યારે તેને દોરડાથી બાંધે કે તેને કોઈ પીડા થાય તેવા વચનપ્રયોગ કરે કે માર મારે તે સર્વમાં તે પુત્રાદિને જે પીડા થાય છે તે હિંસાનું વર્જન શ્રાવક કરી શકતો નથી. માટે ૨ (અઢી) વસામાંથી અડધી હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થઈ. માટે શ્રાવકને હિંસાની નિવૃત્તિ સવા વસાની છે.
આ રીતે શ્રાવકને પ્રાણીવધનું પ્રત્યાખ્યાન દેશથી પ્રાપ્ત થાય છે. તે પ્રાણીવધ પણ ૨૪૩ ભેદથી પ્રાપ્ત થાય છે. તે આ રીતે –
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇંદ્રિય તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિયથી જીવના નવ ભેદો છે. તે ભેદોની હિંસા સાધુ મનથી કરે નહિ, વચનથી કરે નહિ, કાયાથી કરે નહિ. તેથી જીવના ૯ ભેદોને મનવચન-કાયાના ત્રણ ભંગોથી ગુણીએ તો ૯ × ૩=૨૭ ભેદોની પ્રાપ્તિ થાય. અર્થાત્ ૯ પ્રકારના જીવોની હિંસા મનથી કરે નહીં માટે ૯ ભેદ, ૯ પ્રકારના જીવોની હિંસા વચનથી કરે નહીં માટે ૯ ભેદ અને ૯ પ્રકારના જીવોની હિંસા કાયાથી કરે નહીં માટે ૯ ભેદ; એમ કુલ ૨૭ ભેદોની પ્રાપ્તિ થાય.