________________
૨૧૬
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ હું તારો ઘાત કરાવીશ ઇત્યાદિ અનાભોગથી બોલ છે તેથી વાણીકૃત હિંસાની પ્રાપ્તિ છે. તોપણ મનથી અને કાયાથી હિંસાદિના કરણ અને કરાવણનો નિષેધ છે. આ વિકલ્પ તે શ્રાવક કરે છે કે જેના હૈયામાં દયાનો પરિણામ છે તોપણ નિમિત્તને પામીને તેવા પ્રકારની બોલવાની ટેવ પડી છે. તેથી ક્યારેક નિમિત્તને પામીને તેવા પ્રકારના વચનપ્રયોગો પોતાનાથી થઈ શકે તેવી સંભાવનાને જાણીને વાણીથી કરણ અને કરાવણના નિષેધની પ્રતિજ્ઞા કરતો નથી. આ રીતે ‘દ્વિવિધ-દ્વિવિધ'નો બીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે.
૩. વાણીથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં કરું નહીં અને કરાવું નહીં.
કોઈ શ્રાવક સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે છે ત્યારે વિકલ્પ રાખે છે કે હું સ્થૂલ હિંસાદિ વાણીથી અને કાયાથી કરીશ નહીં અને સ્થૂલ હિંસાદિ વાણીથી અને કાયાથી કરાવીશ નહિ. આ પ્રતિજ્ઞાકાળમાં શ્રાવક હું હિંસા કરું છું, હું હિંસા કરાવું છું તેવો વાણીપ્રયોગ કરતો નથી અને કાયાથી હિંસાદિ ક૨વાની ચેષ્ટા કરતો નથી અને હિંસાદિ કરાવવાની ચેષ્ટા કરતો નથી. પરંતુ કોઈકના તેવા પ્રકારના વર્તનને જોઈને સહસા મનમાં હિંસાના પરિણામ થાય છે. તેનું તે નિવર્તન કરી શકતો નથી તેથી નિમિત્તને પામીને તે શ્રાવકની, મનમાં તેવા પ્રકારની પરિણતિ થાય છે તેને ખ્યાલમાં રાખીને વાણીથી અને કાયાથી જ તે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે, મનથી હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા કરતો નથી. આ રીતે ‘દ્વિવિધ-દ્વિવિધ’નો ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય વિકલ્પોમાં અનુમતિનો પરિહાર શ્રાવકને નથી.
તેનાથી એ પ્રાપ્ત થાય કે પચ્ચક્ખાણ લેનાર શ્રાવક પોતાની પ્રકૃતિને આશ્રયીને વિચારે કે હું મનની અભિસંધિનો પરિહાર કરી શકું છું. પરંતુ તેવા સંયોગોમાં કાયાથી સ્થૂલ હિંસાદિનો પરિહાર કરી શકું તેમ નથી તે શ્રાવક દ્વિવિધ દ્વિવિધથી પ્રથમ વિકલ્પાનુસા૨ પ્રતિજ્ઞા કરે છે. જે શ્રાવકને એમ જણાય છે કે મનથી હું હિંસાનો પરિહાર કરી શકું છું પણ તેવા સંજોગોમાં હિંસાદિનાં વચનો સહસા મારાથી બોલાઈ જાય તેમ છે માટે વચનથી હિંસાદિનો પરિહાર કરતો નથી અને કાયાથી તેવી દુષ્યેષ્ટાદિનો પરિહાર કરે છે તેવો શ્રાવક બીજા વિકલ્પ અનુસા૨ પ્રતિજ્ઞા કરે છે. જે શ્રાવકને વાણીથી હિંસાદિના પરિહારની શક્તિ છે, કાયાથી તેવા પ્રકારની દુષ્યષ્ટાદિના પરિહારની શક્તિ છે તોપણ તેવા પ્રકારના નિમિત્તને પામીને મનમાં હિંસાદિના પરિણામો થાય છે તેવો શ્રાવક મનથી હિંસાદિના પરિહારની પ્રતિજ્ઞા કરતો નથી. આથી જ કોઈ શ્રાવકથી મનથી કામાદિના વિકારોનો પરિહાર ન થઈ શકે અને કાયાથી અને વચનથી પરિહાર કરી શકે તેમ હોય તેવા શ્રાવકો તે વ્રત મનનાં વિકલ્પને છોડીને વચનથી અને કાયાથી ગ્રહણ કરે છે.
(૩) વળી કોઈ શ્રાવક ‘દ્વિવિધ-એકવિધ’થી પચ્ચક્ખાણ કરે છે ત્યારે ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. કરણ-કરાવણને આશ્રયીને દ્વિવિધ અને મનથી એકવિધ અથવા વચનથી એકવિધ અથવા કાયાથી એકવિધ એમ ત્રમ ભાંગા પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે
-
૧. મનથી હું સ્થૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. ૨. વચનથી હું સ્થૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં. ૩. કાયાથી હું સ્થૂલ હિંસાદિ કરીશ નહીં અને કરાવીશ નહીં.