________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨
૧૮૩
જે ગુણસ્થાનક પોતે સ્વીકાર્યું છે તે ગુણસ્થાનકનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. જેમ કોઈએ સમ્યક્ત સ્વીકાર્યું હોય તો વિચારવું જોઈએ કે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હશે તો જ મારું સમ્યક્ત સુરક્ષિત રહેશે. તેથી વારંવાર આ સંસારની ચાર ગતિના પરિભ્રમણનો વિચાર કરીને તેમાંથી વિસ્તારનો એક ઉપાય ભગવાનનું વચન છે, તેમ ભાવન કરવું જોઈએ. વળી, શક્તિ અનુસાર જિનવચનના પરમાર્થને જાણવા ઉદ્યમ કરવો જોઈએ અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સ્થિર શ્રદ્ધા થાય તે રીતે ઉચિત યત્ન કરવો જોઈએ જેથી પ્રગટ થયેલ ગુણસ્થાનક નાશ પામે નહિ. તે જ રીતે દેશવિરતિ સ્વીકારી હોય તો દેશવિરતિ ગુણસ્થાનક વિષયક પણ ઉચિત કૃત્યોની નિત્ય સ્મૃતિ કરવી જોઈએ.
જેમ પોતે કોઈ દેશવિરતિનાં વ્રતો સ્વીકાર્યા હોય તો તે વ્રતોના સ્વરૂપનું સમ્યફ આલોચન કરવું જોઈએ. તેના અતિચારોનું સમ્યક આલોચન કરવું જોઈએ. અને પોતાનાં વ્રતો જે પ્રકારે સ્વીકાર્યા છે તે પ્રમાણે પાલન થાય છે કે નહીં તેની ચિંતા કરવી જોઈએ જેથી ગુણસ્થાનકનો પાત થાય નહિ. વળી, જે ગુણસ્થાનક પોતે સ્વીકાર્યું હોય તેના પ્રત્યે અત્યંત રાગભાવ ધારણ કરવા રૂપ બહુમાન ધારણ કરવું જોઈએ. જેથી ગુણસ્થાનકના રાગને કારણે પણ તે ગુણસ્થાનકથી પાત થાય નહિ. વળી, સ્વીકારાયેલા ગુણસ્થાનકના પ્રતિપક્ષરૂપ મિથ્યાત્વ કે પ્રાણાતિપાતાદિ ભાવો પ્રત્યે હંમેશાં જુગુપ્સા કરવી જોઈએ અને વિચારવું જોઈએ કે પ્રમાદને વશ અનાદિના સંસ્કારોથી મિથ્યાત્વાદિ ભાવો પ્રગટ થશે તો મારાં સુંદર વ્રતો નાશ પામશે. માટે સતત મિથ્યાત્વાદિ ભાવો પ્રત્યે અત્યંત જુગુપ્સા થાય તેવો યત્ન કરવો જોઈશે. વળી, પરિણતિનું આલોચન કરવું જોઈએ. કઈ રીતે પરિણતિનું આલોચન કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરે છે –
સ્વીકારાયેલાં વ્રતોથી વિપરીત એવી મિથ્યાત્વની કે પ્રાણાતિપાતની પરિણતિ આત્મા માટે અત્યંત દારુણ ફળવાળી છે અને સ્વીકારાયેલા સમ્યક્ત આદિની પરિણતિ જીવ માટે અત્યંત હિતકારી છે. માટે સ્વીકારાયેલા ગુણસ્થાનકની વૃદ્ધિ થાય તેવો હું અપ્રમાદભાવથી યત્ન કરું જેથી એકાંતે મારું હિત થાય તે પ્રમાણે વ્રતોના સમ્યક્ સેવનનું અને વિપરીત સેવનના ફળનું આલોચન કરવું જોઈએ.
વળી, તીર્થંકરની ભક્તિ કરવી જોઈએ; કેમ કે તીર્થંકરે આ યોગમાર્ગ બતાવ્યો છે અને તેમના પ્રત્યેના બહુમાનભાવથી તેમણે બતાવેલ યોગમાર્ગ મને સમ્યફ પરિણમન પામે તેવા વિશુદ્ધ આશયથી તીર્થંકરની ભક્તિ કરવાથી સ્વીકારેલું ગુણસ્થાનક પ્રગટ થાય છે અને સ્થિર થાય છે. વળી, સુસાધુજનની ઉપાસના કરવાથી સ્વીકારેલું ગુણસ્થાનક સ્થિર થાય છે; કેમ કે ભાવસાધુ પ્રત્યેના બહુમાનભાવથી સમ્યક્ત નિર્મળ થાય છે. અને સ્વીકારેલા દેશવિરતિ ગુણસ્થાનક પ્રત્યેનો પક્ષપાત વધે છે. સ્વીકારેલું દેશવિરતિ ગુણસ્થાનક સર્વવિરતિનું કારણ કઈ રીતે બને તેવી ઉચિત ચિંતા થાય છે; કેમ કે ભાવસાધુ પ્રત્યેના બહુમાનભાવને કારણે તેમના જેવા થવાનો અભિલાષ ઉલ્લસિત થાય છે, તેથી શક્તિ અનુસાર ભાવસાધુની ભક્તિ કરવી જોઈએ. વળી, સ્વીકારાયેલા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકમાં જવા સદા અભ્યાસ કરવો જોઈએ જેથી સ્વીકારેલું ગુણસ્થાનક ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકમાં પરિણમન પામે. આ રીતે, જેઓ ગુણસ્થાનક સ્વીકાર્યા