________________
૧૮૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ઉચિત છે. છતાં ભાવથી પ્રતિક્રમણની ક્રિયાના અર્થીએ વિશુદ્ધ વ્રતગ્રહણ આદિની ક્રિયા કરીને દેશવિરતિનો પરિણામ પેદા થાય તેવો યત્ન કરવો જોઈએ. જેથી તેના પચ્ચખ્ખાણ અને પ્રતિક્રમણની ક્રિયા વિશેષ ફલવાળી થાય. વળી, ક્ષયોપશમભાવવાળાં ગુણસ્થાનકો આપણી બાહ્ય ઔદયિકભાવોની ક્રિયાથી પ્રગટ થતાં નથી એવી બુદ્ધિ કરીને સમ્યક્રક્રિયામાં ઉપેક્ષા કરી જોઈએ નહીં પરંતુ વિશુદ્ધભાવથી વ્રતો ગ્રહણ કરીને તે વ્રતપાલનમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી ક્ષયોપશમભાવવાળું દેશવિરતિ ગુણસ્થાનક પ્રગટ થયું ન હોય તોપણ તેને અનુરૂપ ઉચિત ક્રિયાથી દેશવિરતિ ગુણસ્થાનક પ્રગટ થાય છે. વળી “પંચાશક ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મ.સા.એ કહ્યું છે તે બતાવે છે – કોઈ જીવ વિરતિનું ગુણસ્થાનક સ્વીકારે ત્યારપછી તે ગુણસ્થાનકને અનુરૂપ પ્રયત્ન કરે તો અવિદ્યમાન પણ વિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને કોઈ રીતે પ્રગટ થયેલી વિરતિનો પરિણામ અકુશલ કર્મના ઉદયથી પાત પામે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવે પોતાની ભૂમિકાનુસાર સમ્યત્વ સ્વીકારેલું હોય અને સમ્યક્તને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરે તો પારમાર્થિક સમ્યત્વનો પરિણામ પ્રગટ ન થયો હોય તોપણ તે સમ્યત્ત્વની ક્રિયાથી પ્રગટ થાય છે. માટે ભગવાનની ભક્તિ, સુસાધુની ભક્તિ, સ્વશક્તિ અનુસાર તત્ત્વ જાણવા માટે ઉદ્યમ કરવામાં આવે તો સમ્યક્ત પ્રગટ ન થયું હોય તોપણ તે પ્રકારની ક્રિયાથી પ્રગટ થાય છે. તેમ દેશવિરતિ સ્વીકાર્યા પછી દેશવિરતિને અનુકૂળ ક્રિયાઓ કરવાથી અવિદ્યમાન પણ દેશવિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને પ્રયત્નથી સમ્યક્તનો કે દેશવિરતિનો પરિણામ પ્રગટ થયો હોય ત્યારપછી તે ગુણસ્થાનકની ઉચિત ક્રિયામાં જીવ પ્રમાદ કરે તો અકુશલકર્મના ઉદયથી તે જીવનો તે ગુણસ્થાનકથી પાત થાય છે. જેનાથી પ્રગટ થયેલું ગુણસ્થાનક પણ નાશ પામે છે.
પ્રગટ થયેલું ગુણસ્થાનક નાશ પામે છે તેનાં લિંગો બતાવે છે – વ્રત સ્વીકાર્યા પછી વ્રતવાળાનો અવર્ણવાદ કરે, વ્રતના ઉપદેશકોનો અવર્ણવાદ કરે અથવા તો તે વ્રતનો અવર્ણવાદ કરે અથવા તે ત્રણેયની અવજ્ઞા કરે અથવા વ્રતના રક્ષણના ઉપાયમાં અપ્રવૃત્તિ કરે તેનાથી નક્કી થાય છે કે તેનો વિદ્યમાન વ્રતનો પરિણામ નાશ પામ્યો છે.
જેમ કોઈએ સમ્યત્વ સ્વીકાર્યું હોય પરંતુ તે સમ્યક્ત પ્રત્યે અનાદરભાવ હોય, સમ્યક્તના ઉપદેશક પ્રત્યે અનાદરભાવ હોય કે સમ્યદૃષ્ટિ જીવો પ્રત્યે અનાદરભાવ હોય અથવા તેઓની નિંદા આદિ કરે તો સમ્યક્ત નાશ પામે છે અને તેવું કંઈ ન કરે આમ છતાં સમ્યત્વના રક્ષણના ઉપાયોમાં ઉચિત યત્ન ન કરે તોપણ નક્કી થાય છે કે પ્રગટ થયેલું સમ્યક્ત નાશ પામ્યું છે. માટે સમ્યક્ત સ્વીકાર્યા પછી સમ્યક્ત પ્રત્યે તીવ્ર પક્ષપાત થાય અને તેના રક્ષણના ઉપાયમાં સદા યત્ન થાય તે પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. તે રીતે દેશવિરતિ આદિ ગુણસ્થાનક સ્વીકાર્યા પછી પણ તે ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી પ્રાપ્ત થયેલ ગુણસ્થાનક અકુશલકર્મોના ઉદયથી નાશ પામે નહિ.
તે ગુણસ્થાનકના રક્ષણના ઉપાયોને જ ગ્રંથકારશ્રી બતાવે છે –