________________
૧૨૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
લિંગી એવું સમ્યક્ત હોતે છતે લિંગો અવશ્ય હોવાં જોઈએ' એવો નિયમ નથી. જેમ લિંગી એવો વહ્નિ ધૂમરૂપ લિંગ વગર પણ પ્રાપ્ત થાય છે.
તેથી એ ફલિત થાય છે કે શમનો પરિણામ હોય તો સમ્યક્ત છે તેવું અનુમાન કરી શકાય છે; પરંતુ શમનો પરિણામ ન હોય તેટલામાત્રથી સમ્યક્ત નથી તેમ કહી શકાય નહિ. તેથી શ્રેણિક-કૃષ્ણાદિમાં શમનો પરિણામ ન હતો; પરંતુ સમ્યક્ત હતું તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. સમ્યક્ત સાથે શમના પરિણામનો શું નિયમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુપરીક્ષિત લિંગ હોતે છતે નિયમા લિંગી હોય છે એ પ્રકારનો નિયમ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વિવેકવાળો ઉપશમભાવ છે કે નહીં તેની પરીક્ષા કરવામાં આવે અને નિર્ણય થાય કે આ જીવમાં વિવેકચક્ષુ પ્રગટેલ હોવાથી ઉપશમભાવ વર્તે છે તો નિયમા તે જીવમાં સમ્યગ્દર્શન છે એમ નક્કી કરી શકાય.
અહીં “સુપરીક્ષિત' લિંગનું વિશેષણ આપવાથી એ પ્રાપ્ત થાય કે વિવેક વગરના જીવો પણ કેટલાક ક્રોધના ઉપશમવાળા દેખાય છે અને વિષયના ત્યાગવાળા છે તેવું પણ દેખાય છે. તેથી તેવા જીવોને જોઈને પણ આ સમ્યગ્દષ્ટિ છે તેવો ભ્રમ થાય. જેમ ધૂળના ગોટાને જોઈને અગ્નિનો ભ્રમ થાય પરંતુ સારી રીતે પરીક્ષા કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ ધૂળના ગોટા છે ધૂમ નથી, માટે ત્યાં અગ્નિ નથી. તેથી જે જીવોને ભગવાનના વચન પ્રત્યેની માર્ગાનુસારી તીવ્ર રુચિ થયેલી છે અને તેના કારણે કષાયોનો ઉપશમ વર્તે છે, તેવા ઉપશમવાળા જીવોને જોઈને નિર્ણય કરી શકાય કે આ જીવમાં સમ્યત્ત્વ છે. પરંતુ માત્ર ક્રોધ નહીં કરનાર કે વિષયનો ત્યાગ કરનારા જીવોના ઉપશમભાવને જોઈને આ સમ્યગ્દષ્ટિ છે તેવો નિર્ણય થાય નહિ.
અહીં વિશેષ એ છે કે જે જીવોમાં સૂક્ષ્મબોધ છે તેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણે છે અને તેઓને ભગવાનના વચનમાં સ્થિરરુચિ છે તેના કારણે જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવાથી કષાયોનો ઉચ્છેદ થાય છે અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો સ્થિર નિર્ણય છે. આવા જીવો અવિરતિના ઉદયવાળા હોય તોપણ સદા સ્વભૂમિકાનુસાર અવિરતિને દૂર કરવા માટે ઉદ્યમ કરનારા હોય છે. આથી જ સુસાધુની ઉપાસના કરે છે તેવા જીવો અસમંજસ ક્રોધ કરે નહીં અને અસમંજસ વિષયની તૃષ્ણા તેઓને થાય નહીં આવો સામાન્યથી નિયમ છે. તેથી તેવા જીવોમાં તેવા પ્રકારના અનંતાનુબંધી કષાયનો ઉપશમ છે તેમ નક્કી થાય છે. પરંતુ શ્રેણિક-કૃષ્ણાદિ જીવોને કોઈક નિમિત્તથી અસમંજસ ક્રોધ થાય છે અને અસમંજસ વિષયોની તૃષ્ણા પણ થાય છે. તેમાં તેઓનું અવિરતિ આપાદકકર્મ અતિબલવાન છે. તેથી તત્ત્વને જોવાની નિર્મળદષ્ટિ પ્રગટ થઈ હોવા છતાં કર્મને વશ થઈને તેઓ ક્રોધને વશ થતા હતા કે વિષયની તૃષ્ણાને વશ થતા હતા. આથી જ તેઓમાં સંજ્વલનાદિ બાર કષાયોનો જે ઉદય વર્તતો હતો તે સંજ્વલનાદિ બાર કષાયો જ તીવ્ર ઉદયવાળા હોવાથી અનંતાનુબંધી સદશ વિપાકવાળા છે તેમ કહેલ છે.
આશય એ છે કે અનુચિત ક્રોધ અને અનુચિત વિષયની તૃષ્ણા અનંતાનુબંધી કષાયના ઉદયથી થાય છે.