________________
૧૨૧
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
તેથી એ ફલિત થાય કે જે જીવમાં તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે તે નિર્મળદષ્ટિરૂપ પ્રકૃતિને કારણે અનંતાનુબંધી કષાયનો અનુદય થવાથી જીવને પ્રશમનો પરિણામ પ્રાપ્ત થાય છે. વળી, કેટલાક જીવોને શાસ્ત્રવચન દ્વારા કષાયોની પરિણતિનાં કેવાં કડવાં ફલો છે તેનો બોધ થવાથી તે પ્રકારના કષાયનો ઉપશમ વર્તે છે. તેમાં ઉદ્ધરણ આપેલ છે તેનો અર્થ આ પ્રમાણે છે – જીવને સમ્યક્તનું વેદન કરાવે તેવી જીવની પ્રકૃતિથી જીવને સર્વકાલ પણ કષાયનો ઉપશમ વર્તે છે.
અહીં ‘સર્બાનંપિ' કહેવાથી એ પ્રાપ્ત થાય છે તથાવિધ નિમિત્તોનો અભાવ હોય તો તે-તે કષાયો વ્યક્ત થતા નથી, પરંતુ તથાવિધ નિમિત્ત મળે કે ન મળે તોપણ કષાયો વિપાકમાં ન આવે તેવી જીવની પ્રકૃતિ થઈ હોવાને કારણે જીવમાં કષાયોનો ઉપશમ સર્વકાલ વર્તે છે તે ઉપશમનો પરિણામ છે. અથવા કર્મોનો વિપાક અશુભ છે એ પ્રમાણે જાણીને કોઈ વિવેકી પુરુષ પોતાના અપરાધી ઉપર પણ કોપ ન કરે તે ઉપશમનો પરિણામ છે. : તેથી એ ફલિત થાય કે કેટલાક જીવોને પ્રકૃતિથી ઉપશમ થાય છે અને કેટલાક જીવોને કર્મના વિપાકનું ચિંતવન કરવાથી ઉપશમ થાય છે. તેથી તેવા જીવો કોઈ અપરાધ કરે તો પણ તેની ઉપર કોપ કરતા નથી પરંતુ સર્વકાલ ઉપશમભાવને ધારણ કરે છે.
વળી, અન્ય માત્ર ક્રોધના અનુદયને પ્રશમ કહેતા નથી, પરંતુ ક્રોધ અને વિષયતૃષ્ણાના ઉપશમને “શમ' કહે છે.
સમ્યગ્દષ્ટિ જીવને ક્રોધ અને વિષયની તૃષ્ણા ન હોય તે બતાવવા માટે કહે છે –
પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનવાળો, સાધુની ઉપાસના કરનારો જીવ કેવી રીતે ક્રોધની ખણજથી કે વિષયની તૃષ્ણાથી વિહ્વળ થાય ? અર્થાત્ થાય નહિ.
આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવ હંમેશાં સાધુની ઉપાસના કરે છે. સાધુની ઉપાસના કરનાર હોવાથી તેને “શ્રમણોપાસક' કહેવાય છે. શ્રમણોપાસક હોવાથી સ્વભૂમિકાનુસાર પોતાના ક્રોધને અને વિષયની તૃષ્ણાને ક્ષીણ-ક્ષીણતર કરવા માટે સદા ઉદ્યમવાળા હોય છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ ક્રોધને વશ થઈને કે વિષયની તૃષ્ણાને વશ થઈને વિવલતાનો અનુભવ કરતા નથી, પરંતુ વિદ્યમાન કષાયોને ક્ષીણ-ક્ષીણતર કરવા માટે સ્વભૂમિકાનુસાર સદા ઉદ્યમ કરનારા હોય છે.
પૂર્વમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને ક્રોધ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ હોય છે. ત્યાં કોઈ શંકા કરે છે કે જો ક્રોધની ખણજ અને વિષયની તૃષ્ણાનો ઉપશમ “શમ' હોય તો શ્રેણિક રાજા અને શ્રીકૃષ્ણ વાસુદેવ આદિ અપરાધી કે નિરપરાધી જીવો પર ક્રોધ કરતા હતા અને વિષયતૃષ્ણાથી વિહ્વળ થઈને ભોગોમાં પ્રવૃત્તિ કરતા હતા, તેઓમાં “શમનો પરિણામ” કેવી રીતે ઘટે ? અને જો તેઓમાં શમનો પરિણામ ન હોય તો તેઓમાં સમ્યક્તનો સંભવ કેવી રીતે થાય ? અર્થાત્ સમ્યક્તનો સંભવ થાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –