________________
૨૨૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯ તેથી એ પ્રાપ્ત થાય કે જીવ પહેલાં બંધ વગરનો હતો અને પછી બંધ થયો તેમ નથી પરંતુ અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે.
અહીં પ્રશ્ન થાય કે બંધ હિંસાદિથી થાય છે તેથી જે બંધ હિંસાદિથી થતો હોય તે અનાદિમાન કઈ રીતે સંગત થાય ? તેથી કહ્યું કે પ્રવાહથી અનાદિમાન છે, પરંતુ તે તે બંધની અપેક્ષાએ અનાદિમાન નથી અને પ્રવાહથી બંધની અનાદિમાનતાની સંગતિ બતાવતાં કહે છે –
બંધ કૃતક હોવા છતાં પણ અતીતકાલની જેમ બંધની પ્રવાહથી અનાદિમાનતાની ઉપપત્તિ છે. જેમ અતીતકાલની દરેક ક્ષણ કોઈક કાળમાં વર્તમાન હતી અને તે વર્તમાન ક્ષણ પૂર્વમાં ન હતી અને તે વખતે ઉત્પન્ન થઈ, છતાં અતીતકાળ પ્રવાહથી અનાદિવાળો છે તેમ તે તે બંધ તે તે હિંસાદિના પરિણામથી થાય છે તેથી જીવથી તે બંધ કરાય છે માટે બંધ કૃતક છે. તોપણ પ્રવાહથી બંધનો પ્રવાહ અનાદિનો છે, પરંતુ પહેલાં જીવ બંધ વગરનો હતો અને પછી બંધાયો તેવું નથી; કેમ કે એક વખત જીવ બંધથી મુક્ત થાય છે પછી ક્યારેય બંધાતો નથી. તેથી જો બંધ કૃતક હોવાને કારણે આદિમાન સ્વીકારવામાં આવે તો પ્રથમ બંધ વગરના જીવને બંધ થયો તેમ માનવું પડે અને તેમ માનીએ તો બંધ વગરના એવા મુક્તાત્માઓને પણ ફરી બંધ થવાની આપત્તિ આવે. માટે અનુભવને અનુરૂપ પદાર્થની વિચારણાથી માનવું પડે કે જીવ તે તે ક્ષણમાં હિંસાદિ પ્રવૃત્તિઓ કરીને કર્મ બાંધે છે છતાં જીવ સાથે બંધાયેલાં કર્મો પ્રવાહથી અનાદિનાં છે.
આ રીતે યોગ્ય શ્રોતાને ઉપદેશક બંધ અને મોક્ષનાં કારણો બતાવીને બંધનું સ્વરૂપ બતાવ્યા પછી હવે કેવો આત્મા સ્વીકારીએ તો પૂર્વમાં કહેલા બંધના હેતુઓ તેમાં ઘટે તે બતાવવા અર્થે કહે છે –
જો આત્માને પરિણામી માનવામાં આવે અને દેહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન માનવામાં આવે તો પૂર્વમાં કહેલા હિંસાદિ બંધના હેતુઓ સંગત થાય છે. અને જો આત્માને પરિણામી ન સ્વીકારીએ અને દેહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન ન સ્વીકારીએ તો પૂર્વમાં કહેલા હિંસાદિ બંધના હેતુઓ * સંગત થાય નહિ.
આત્માને પરિણામી સ્વીકારવા માટે પરિણામ શું છે? તે સ્પષ્ટ કરે છે – આત્મદ્રવ્ય, દ્રવ્યરૂપે અવસ્થિત છે અને પર્યાયરૂપે અન્ય-અન્ય પર્યાયને પામે છે તે પરિણામ છે. પરિણામેનો અર્થ સ્વીકારવા માટે સાક્ષી આપે છે – તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે પરિણામ એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં ગમનરૂપ છે પરંતુ વસ્તુ સર્વથા અવસ્થિત પણ નથી અર્થાત્ સર્વથા સ્થિર પણ નથી અને વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી. તેને તત્ત્વના જાણનારાઓ પરિણામ કહે છે. પરિણામવાળી જે વસ્તુ હોય તે પરિણામી કહેવાય. તેથી પરિણામી જીવદ્રવ્ય છે. તે જીવદ્રવ્ય દેહથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે તેથી તેમાં હિંસાદિ ઘટે છે.
આશય એ છે કે સંસારી જીવો દેહધારી છે અને દેહથી સર્વથા ભિન્ન હોય તો દેહના નાશથી તેઓને કોઈ પીડા થાય નહિ. જેમ કોઈ સંસારી જીવથી ભિન્ન એવા ઘટ-પટાદિના નાશથી કે અન્ય જીવના નાશથી