________________
અંતરની વાત....ત્રણ સ્વીકાર
શ્રી સંગ્રહાણસૂત્ર..... આ ગ્રંથમાં મુખ્યત્વે ચાર અધિકારો છે :
૧. દેવાધિકાર, ૨. નરકાધિકાર, ૩. મનુષ્યાધિકાર, ૪. તિર્યંચાધિકાર. દેવો તથા નારકોના ૯-૯ ધારો તેમજ મનુષ્ય તથા તિર્યંચના ૮-૮ દ્વારો છે. ચારે ગતિના જીવોના આહાર, સંઘયણ, સંસ્થાન, વેશ્યા, પર્યાપ્તિ વગેરેની પણ સમજણ આપેલી છે. સાથે સાથે થોડી જૈન ભૌગોલિક માહિતી, જે આજના વિશ્વ માટે અને ભૂગોળશાસ્ત્રીઓ માટે પડકાર રૂપ તેમજ સંશોધનના વિષયરૂપ બની રહી છે તે પણ સમાવી લીધી છે. આવી અનેકવિધ વાતોનો સંગ્રહ આચાર્યદેવ શ્રીમદ્વિજય શ્રીચન્દ્રસૂરિજીએ આ સૂત્રમાં કરેલ છે. તેમના ચરણોમાં ભાવભરી વંદના.
આ પુસ્તકમાં આ સૂત્રની મૂળગાથાઓ તેમજ ગુજરાતી તથા અંગ્રેજી અનુવાદ છે. ગુજરાતી અનુવાદ યુક્ત મૂળગાથાઓના અનેક પ્રકાશનો ભૂતકાળમાં થયા જ છે પણ અંગ્રેજી અનુવાદનું આ (પ્રાય:) પ્રથમ પ્રકાશન થઇ રહ્યું છે. અંગ્રેજી અનુવાદના પાયામાં બે પ્રસંગો બન્યા...
૧. જયારે-જ્યારે આજની યુવા પેઢીને જીવવિચાર-નવતત્ત્વ-સંગ્રહણિ વગેરે ગ્રંથો ભણવાની વાત કરતો ત્યારે બહુધા એક જ જવાબ મળતો... “સાહેબ, અમને ગુજરાતી આવડતું નથી, અંગ્રેજીમાં પુસ્તક હોય તો આપો” ત્યારથી આપણા અમૂલ્ય પદાર્થોને અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવાની ભાવના થઇ.
૨. વિ. સં. ૨૦૬૮ વર્ષે અખાત્રીજના પારણા પ્રસંગે પૂ. ગુરુદેવની નિશ્રામાં ભગવાનનગરના ટેકરે (અમદાવાદ) હતા. એ વખતે વાસણાનિવાસી રાજેન્દ્રભાઇ સારાભાઇ નવાબ, શ્રી સંગ્રહણીસૂત્રનું અંગ્રેજી અનુવાદ લઈને આવેલા, તે છપાવવાની ભાવનાથી ગુરુદેવે તે મેટર મને તપાસવા આપેલ. તેનું પરિમાર્જન કરી છપાવવા કરતા તેને નજર સમક્ષ રાખી આખો નૂતન અનુવાદ તૈયાર કરવો સહેલો રહેશે, એવી વાત ગુરુદેવને કરી. પ. પૂ. સમતાસાગર પંન્યાસપ્રવર પદ્મવિજયજી ગણિ જન્મશતાબ્દિ વર્ષે કંઇક નવું સર્જન કરવાની ભાવના થઇ, તેમાં ગુરુદેવની પરમ કૃપા અને પ્રેરણા પ્રાપ્ત થતા, આ અંગ્રેજીમાં નૂતન અનુવાદ અસ્તિત્વમાં આવ્યું.