________________
આ ગ્રંથનું અધ્યયન કરાવનાર તેમજ સંપૂર્ણ અનુવાદ તપાસી આપનાર વિદ્યાગુરુ મુનિશ્રી રત્નબોધિવિજયજી મ. નો હું અત્યંત ઋણી છું.
દીક્ષા પછી પુનઃ અંગ્રેજી ભાષાને દઢ કરવા અધ્યયન કરાવનાર તથા આ અંગ્રેજી અનુવાદને (વ્યાકરણની દૃષ્ટિએ) તપાસી આપનાર નટુભાઇ સર (વડોદરા)ને વિસરી શકાય તેમ નથી.
અમાપ પાપમય આ સંસારઅટવીમાં ભટકતા મને સંયમના મહાલયમાં લઇ આવનારા વાત્સલ્યના મહાસાગર પૂ. પ્રમદાદા ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રદાદા ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી કલ્યાણ બોધિસૂરીશ્વરજી મ., તથા પૂ. દાદા ગુરુદેવ મુનિશ્રી ભક્તિવર્ધનવિજયજીમ.ના ઉપકારોની ઋણમુક્તિ ક્યારેય થઇ શકે એમ નથી.
જન્મથી લઇ આજ દિન સુધી જેમણે સતત મારી કાળજી કરી છે એવા ગુરુદેવ પૂજ્ય મુનિરાજશ્રી હર્ષપ્રેમવિજયજી મ. સા. (બાપુજી મ.સા.), તેમજ સાધ્વીજી શ્રી હર્ષશીલાશ્રીજી (બા મહારાજ) તથા સાધ્વી શ્રી ચન્દ્રશીલાશ્રીજી (બેન મહારાજ)ના ઉપકારો આ ક્ષણે સ્મૃતિ પટ પર લાવી કૃતજ્ઞતા સહ ધન્યતા અનુભવું છું.
સહાય ગુણ ધરતા સાધુજી” ઉક્તિને ચરિતાર્થ કરતા તમામ સહવર્તીઓ તેમજ કલ્યાણ મિત્રો આ પ્રસંગે ભૂલાય તેમ નથી.
મારા આ પ્રથમ પ્રયાસરૂપ અનુવાદમાં અનેક ક્ષતિઓની સંભાવના છે, તો વિદ્વદ્ તેમજ અભ્યાસુવર્ગને ક્ષતિનિર્દેશ કરવા ખાસ વિનંતી. | અંતે ચારે ગતિ વિષયક રસપ્રદ પદાર્થોથી ભરપૂર આ ગ્રંથને સમજણપૂર્વક કંઠસ્થ કરી, વારંવાર પુનરાવર્તન દ્વારા મનને અશુભ વિચારોમાંથી, વાણીને અશુભ વાતોમાંથી તથા કાયાને અશુભ વર્તનોમાંથી મુક્ત કરી, ચારે ગતિના ચકરાવામાંથી મુક્ત થઇ, આપણે સૌ શીધ્ર પંચમી ગતિને પામીયે એ જ અભ્યર્થના...
સમારોડ, વડોદરા
અષાઢ સુદ ૯, વિ. સં. ૨૦૬૮
ગુરુકૃપાકાંક્ષી મુનિ ધર્મપ્રેમવિજય (હર્ષશિશુ)