________________
તે ગ્રંથોના નામ છે-ઈષ્ટકમનીયસિદ્ધિ, બ્રહ્મકમનીયસિદ્ધિ, નવતત્ત્વનિદાન, વિજ્ઞાનેશ્વર, સિદ્ધાગમસંકેત, વિજ્ઞાનગુણાર્ણવ વગેરે.
આજે આ ગ્રંથો જોવા મળતા નથી, એ જગતના હિતમાં જ છે. એ ગ્રંથો રજુ કરનારાએ એવો દાવો કર્યો હતો કે, આ ગ્રંથો ભરત ચક્રવર્તીએ બનાવ્યા છે. આવશ્યકચૂર્ણિ આદિ શાસ્ત્રોમાં ભરતચક્રીકૃત આર્યવેદોની વાત છે, તે ગ્રંથો આ જ છે. સમસ્ત શ્રીસંઘનું સમર્થન મળે એ માટે તેમણે એ દાવો કર્યો. પણ પ્રસ્તુત ગ્રંથના કર્તાએ અનેક ઉત્સૂત્રો, કાલ્પનિક વાતો, પ્રસિદ્ધ પ્રસંગોના વિકૃત સ્વરૂપો, પૂર્વાપર વિરોધો અને અનેકાનેક આગમાદિના બાધકો રજુ કરીને પુરવાર કરી દીધું કે, આ ગ્રંથો ભરતચક્રીકૃત છે જ નહીં. એટલું જ નહીં, અનેક દૃષ્ટિકોણોથી એ ગ્રંથોનું વિશ્લેષણ કરીને પ્રસ્તુત પ્રકરણકારે સ્પષ્ટપણે પુરવાર કર્યું છે, કે એ ગ્રંથો આધુનિક જ છે. એ ગ્રંથો પોતાના કવનથી જ દેખાડી આપે છે, એમનો શબ્દદેહ જ જાહેરાત કરે છે, કે એ આધુનિક છે.
પ્રકરણકારશ્રીએ ક્યાંય પોતાનું નામ મૂક્યું નથી. પણ એક એક ઉત્સૂત્રોનું સૂક્ષ્મતાથી તેમણે ખંડન કર્યું છે. તીક્ષ્ણ તર્કો રજુ કર્યા છે. સજ્જડ બાધક તરીકે શાસ્ત્રીય વચનો રજુ કર્યા છે. આ બધું જોતા તેઓ એક બહુશ્રુત મહાપુરુષ હતા, એવું સહજપણે જણાય છે. આ પ્રકરણ દ્વારા તેમણે માત્ર જિનાગમની જ નહીં, પણ સમગ્ર જિનશાસનની પણ આરાધના અને રક્ષા કરી છે.
એક પ્રશ્ન એ ઉદ્ભવી શકે, કે વર્તમાનમાં તે ઉત્સૂત્રમય ગ્રંથો જ જોવા નથી મળતાં, તો પછી તેના નિરાકરણને પ્રસિદ્ધ કરવાનો શું અર્થ છે ? આનો ઉત્તર આ મુદ્દાઓથી મળી જશે –
(૧) અનેક શાસ્ત્રીય બાબતો અંગે આજે પણ ઘણી અણસમજગેરસમજ પ્રવર્તે છે, જેના સચોટ ઉકેલો આ પ્રકરણમાં આપેલા છે.