________________
જિનેન્દ્ર પ્રભુની પૂજા સંકટના પર્વતને ભેદવા માટે વજની ધારા જેવી છે. આનંદના વનને વિકસાવવા માટે વસંતઋતુ જેવી છે. સ્વર્ગ અને મોક્ષની સંપત્તિરૂપી યુવતિને મળવા માટે કરેલા સંકેત જેવી છે. સંસાર સાગરમાં નાવડી જેવી છે. સુકૃતરૂપી કમળોને ઉત્પન્ન કરવા માટે તળાવડી જેવી છે તથા પ્રગટ મહિમાના ધામ જેવી છે. ૬૪
જેમની ભ્રકુટી કોપથી પહોળી થયેલી નથી, જેમના બન્ને હાથ ચક્ર-બાણ આદિ ચિહ્નોથી યુક્ત નથી, જેમનો ખોળો સ્ત્રીથી શોભિત થયેલો નથી, જેમનું મુખકમળ રોષ કે તોષવાળું નથી, જેમની મૂર્તિ વાહન ઉપર બેઠેલી નથી, જેમના નયનયુગલ કામની ઈચ્છાથી અભિરામ નથી (નિર્વિકારી છે) તથા જેમના બન્ને ગાલ હાસ્યથી ફલેલા (ખીલેલા) નથી એવા ભવ-ભયને ભેદનારા (વીતરાગ) દેવ જ સેવવા યોગ્ય છે. ૬૫
ચન્દ્રમામાં પ્રશંસનીય શુભ્રતા કોણે કરી છે? મોરના મનોહર પિચ્છામાં અદ્ભુત વિવિધ રંગો કોણે ભર્યા છે? કમળના સમૂહમાં શ્રેષ્ઠ સુવાસની સમૃદ્ધિ કોણે કરી છે? દૂધમાં સ્નિગ્ધતા તથા સાકરમાં અદ્વિતીય મીઠાશ કોણે ભરી છે? સૂર્યમાં પ્રતાપ અને જલમાં અનુકૂળ નિર્મળતા કોણે કરી છે? તેમજ ઉત્તમ કુળમાં જન્મેલા પુરુષમાં વિનય કોણે ભર્યો છે? (બધુ સ્વાભાવિક જ છે) ૬૬ાા.