________________
કરુણારૂપી સ્ત્રીના ગાલ ઉપર કસ્તૂરીના સમૂહ સમાન, સુખરૂપી કમળની મકરંદને ગ્રહણ કરતા ભમરાઓના સમૂહ સમાન, કામદેવનો નાશ કરવા માટે તલવાર સમાન, કલ્યાણરૂપી વૃક્ષનું સિંચન કરવા માટે મેઘઘટા સમાન અને લાવણ્યરૂપી વેલડીના અંકુરા સમાન શોભતી શ્રીઋષભદેવ પ્રભુની વાળની લટ જગતને પાવન કરો (પ્રભુએ સંયમ ગ્રહણ સમયે ઈન્દ્રની પ્રાર્થનાથી જે એક મુદ્ઘિ વાળ બાકી રાખ્યા હતા તેની અપેક્ષાએ કવિની આ કલ્પના છે) ।।૧।।
સરસ્વતીદેવીના વરદાનરૂપી ધનથી કુબેર જેવા બનેલા અને દયારૂપી વેપારની દુકાન ચલાવવામાં કુશળતાને વરેલા સંતપુરુષો મારી ઉપર પ્રસન્ન થાઓ. કારણ વહેતા વાયુ વડે જેમ કમળની સુવાસ વિશ્વમાં ફેલાય છે તેમ પ્રસન્ન થયેલા સંતો વડે મૂર્ખના પણ વાણીના ગુણ સમગ્ર વિશ્વમાં ફેલાય છે ।।૨ા
સંત પુરુષોની આંખોમાં અમૃત અને ચિત્તમાં લક્ષ્મી વસે છે એવો અમારો મત છે કારણ તેમનાથી સ્વીકૃત થયેલા માણસમાં અમરપણું અને પુરુષોત્તમપણું (શ્રીમંતપણું) કાયમ રહે છે ।।ા