________________
88
દિવસમાં તારો ખસ-ખરજવાનો રોગ જ મટાડી આપું. જેથી પછી તને ખણજ ઊઠે જ નહિ. પછી ખણવાની ને એના માટે આવી સળીઓની જરૂર જ નહિ પડે. બસ, તું ત્રિફળાનો ઉપયોગકર, તારો રોગ સાત દિ’માં મટી ગયો સમજજે.’
આ સાંભળીને પેલો રોગી ભડક્યો, કહે છે, – અરે ? જો ખણજ જ ન રહે, તો ખરજ ખણવાની જે મજા આવે છે તે જ ઉડી જાય ! પછી જીવન જીવવાની મજા શી ? હું તો જીવું છું તે આ ખરજ ખણવાની મજા લૂટતો જીવું છું. માટે ખરજ મટાડનાર ત્રિફળાના ઉપયોગનું કશું કામ નથી. તું તારે મને આટલું બતાવી દે કે, આ સળીઓ લાટદેશમાં ક્યાં મળે ?’
આ દષ્ટાન્ત સાંભળીને આપણને લાગે કે ‘આ રોગી કેવો મૂર્ખ ! ખરજનો મૂળ રોગ રહેવા દઈ જિંદગીભરના દરદી રહેવું છે, અને જીવનભર ખરજ ખણવાની વેઠ રાખવી છે !‘ પરંતુ આ મૂર્ખતા એકલા આનામાં જ નથી, કિન્તુ જગતભરના ભવાભિનંદી જીવોમાં છે, એ હવે શાસ્ત્રકાર આ દૃષ્ટાન્તનો સાર ભવાભિનંદી જીવોમાં ઘટાવી આપે છે, તે પરથી સમજાય એવું છે. ભવાભિનંદીજીવોને વિષયતૃષ્ણાની ખરજ
ભવાભિનંદી જીવો પણ વિષયતૃષ્ણાના રોગવાળા છે. એ રોગથી એમને વિષયભોગની ખણજો ઉઠ્યા કરે છે. ઈચ્છાઓ જાગ્યા કરે છે. પછી ખરજ ખણવાના આનંદની જેમ વિષયોના સંગ કરી એના ભોગવટામાં આનંદ માને છે. ત્યાં એને દયાળુ જ્ઞાની પુરુષો કહે ‘ભાગ્યવાન ! શુંકામ જીવનભર આ વિષયતૃષ્ણાના રોગમાં પીડાય ? મૂળ આ રોગ છે, માટે જ તને વિષયભોગની ખણજો ઊઠે છે, ને પછી તારે ખરજવાની ખણજની જેમ વિષયસંગની વેઠ કરવી પડે છે. લાવ, અમે તારો વિષયતૃષ્ણાનો રોગજ મટાડી આપીએ, જેથી
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
પછી વારે ને વારે આ વિષયસંગની વેઠ નહિ કરવી પડે.'
ત્યારે ભવાભિનંદી જીવ આ સાંભળીને ભડકે છે, ‘હું વિષયતૃષ્ણા જ ખલાસ ? પછી તો વિષયસંગની જે મજા છે, એજ ઉડી જાય ને ? જીવન જીવીએ છીએ, તે આ વિષયસંગની મજા લૂટવા તો જીવીએ છીએ. જો એ વિષયસંગની મજા જ ગઈ, તો પછી મજા વિનાના જીવનનો અર્થ શો?
આમ, જેમ પેલા ખરજવાના દરદીને દરદ મટાડવાની ઈચ્છા નથી થતી, પણ ખણ ખણ કરવાની મજા જ જોઈએ છે, બસ આજ રીતે ભવાભિનંદી જીવોને મૂળભૂત વિષયતૃષ્ણાનો રોગ
મટાડવાની ઈચ્છા નથી થતી, પણ વારે વારે વિષયોના સંગરૂપ ભોગના પ્રકારોની જ મજા જોઈએ છે. એટલે તો ભરપૂર ભોગો ભોગવતા ભોગવતાં ઉંમર પાકી ગઈ, ને હવે અંગ શિથિલ પડી ગયા છે, તો ય એમાં હવે ઉત્તેજના લાવવા રસાયણ, વસાણા વગેરે વાજીકરણના ઉપાય સેવન કરવા જોઈએ છે.
પેલા ખરજના દરદીને જેમ વૈદ્યે કહ્યું ‘‘ભાઈ! આમ સળીઓના ફાંફાં શું કામ મારે ? હું તારો ખરજનો મૂળ રોગ જ મટાડી આપું. તમે ત્રિફળાનું સેવન કરો, પછી ખણખણ કરવાની વિટંબણા જ નહિ. ત્યારે એ કહે છે ‘તો તો મારે ખણવાનો આનંદ જ જતો રહે ને ? પછી એ આનંદ ક્યાંથી મળે ? મારે ખરજ મટાડવાની ઈચ્છાનથી, મને તો ખણવા માટેની સળીઓ ક્યાં મળે ? એ બતાવવું હોય તો બતાવો.'
એમ આ વિષયરંગીને કદાચ સાધુ કહે ‘આ તમે રસાયણવગેરેના ફાંફાં શું કામ મારો ? શાસ્ત્ર તમારો મૂળભૂત વિષયાસક્તિનો રોગ જ મટાડી આપે છે. પછી તમને વિષયોની ચળ- ખરજ જ નહિ ઊઠે. એટલે ભોગક્રિયાની વિટંબણા જ નહિ.