________________ કામ કપરી કસોટી કરાવે તેવું હોય છે પરંતુ મને એ વાતનો ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે સંપાદક અને સંયોજકની જુગલબંદીએ આ સ્મૃતિ ગ્રંથનું મુશ્કેલ કાર્ય સફળતાપૂર્વક પાર પાડયું છે. શક્ય છે કે ક્યાંક થોડીક ક્ષતિઓ રહી જવા પણ પામી હોય પરંતુ સમગ્રતયા જોતાં આ સ્મૃતિ ગ્રંથ આપણા અમૃત મહોત્સવની અમર સ્મૃતિના પ્રતીક સમો બની રહેશે એવી મને શ્રદ્ધા છે. અલબત્ત, આ ગ્રંથનું સાચું મૂલ્ય તો વાચકો, વિચારકો, વિવેચકો અને વિદ્વાનો તથા કેળવણીકારો જ આંકી શકશે. અમે તો આભાર માનીએ છીએ એ આચાર્ય ભગવંતોનો, સાહિત્ય અને શિક્ષણ જગતના વિદ્વાનો અને સાક્ષરોને જેમણે અમારી વિનંતીને માન આપીને પોતાના લેખો આ ગ્રંથમાં પ્રકાશનાર્થે મોકલી આપ્યા. ઉપરાંત, ગ્રંથના સંયોજક શ્રી સી. એન. સંઘવીના કહેવા મુજબ જૈનાચાર્યોના લેખો મેળવી આપવામાં વિદ્યાલયના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો મૂલ્યવાન સહયોગ સાંપડ્યો છે. આ નોંધ લેતાં પણ હું હર્ષની લાગણી અનુભવું છું. આજે સમગ્ર જૈન સમાજ સામે અને વિશેષત: દેશ-વિદેશમાં વસતા અને વિવિધ ક્ષેત્રે સફળતાનાં સોપાનો સર કરનાર આ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સામે હું ટહેલ નાખું છું કે આ માતૃસંસ્થાનું ચિંતન અને સિંચન કરતા રહેજો અને એના વિકાસમાં સહયોગી બનતા રહેજો. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહો કે મતભેદોથી મા શારદાના આ મંદિરને દૂષિત ન કરશો એવી હું અપેક્ષા રાખું છું. અંતમાં એટલું જ કહીશ કે કાન્તદર્શ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનું સાકાર થયેલું આ સ્વપ્ન સમયના અનંત પ્રવાહ પર પોતાની અમીટ મદ્રા અંકિત કરશે એ નિ:શંક છે. આપણે આ અમૃત મહોત્સવ પ્રસંગે ભગવાન મહાવીરને એટલું જ પ્રાર્થીએ કે તેમની કૃપાથી આપણને એવી શક્તિ અને વૃત્તિ પ્રાપ્ત થાય જેથી મા શારદાની ઉપાસનાના આ જ્ઞાનદીપને સતત પ્રજ્વલિત રાખવામાં આપણે સહુ નિમિત્ત બનીએ. જયજિનેન્દ્ર. - દીપચંદ એસ. ગાડ પ્રમુખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય