________________ 58 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 9. અપૂર્વ મંગલમાલા [માનતુંગાચાર્ય વિરચિત “ભકતામર સ્તોત્ર' નો કાવ્યાસ્વાદ) - મહેન્દ્ર અ. દવે કવિ માનતુંગાચાર્ય રચિત “ભક્તામર સ્તોત્ર” માત્ર જૈન સમાજનું જ નહીં, માનવમાત્રની આત્મિક ઉન્નતિ માટેનું ઊર્ધ્વભાવપ્રેરક, રમણીય કાવ્ય છે. પોતાના કષાયોને ધીમેધીમે છોડતા જઈને, ભવબન્ધનોમાંથી મુક્ત થતા જઈને પોતાના ચૈતન્યકોષમાં રહેલા શિવત્વને પ્રગટાવવું અને એમ તીર્થકર. બની રહેવું એ માનવીમાત્રનું અંતિમ જીવનલક્ષ્ય છે. માયાનાં, માનનાં, લોભનાં, પૂર્વગ્રન્થિઓનાં કાંઈ કેટકેટલાં સૂક્ષમ બન્ધનો આપણામાં અને આપણી આજુબાજુ અંદરબહાર મૂળિયાં નાંખીને પડ્યાં હોય છે ! જન્મજન્માંતરની વાસનાઓ રૂપે આપણામાં ઊતરી આવ્યાં હોય છે. કાયાને કોટડે બંધાયેલા જીવાત્માને સંસારનાં સીમિત સુખદુ:ખોમાંથી, રાગદ્વેષોમાંથી મુકત થવાની કોઈક આંતર ઝંખના internal urge - જાગે છે. “મમતા, તું ના ગઈ મોરે મનસે' આ તુલસીદાસનો જ નહીં, આપણા સહુનો આંતરિક વલોપાત હોય છે. પણ માત્ર ઝંખનાથી જ આ બન્ધનોમાંથી મુક્ત થવાતું નથી. એ માટે જરૂરી છે સત્ય માટેની જાગરૂકતા, વિપત્તિઓને સ્વીકારવાની તૈયારી, તિતિક્ષા અને અડગ શ્રદ્ધા! પ્રભુનો અનુગ્રહ હોય તો જ હૈયામાં શ્રદ્ધા ઊગે. આવા અનુગ્રહને પામવા માટે નિતાન્ત ભક્તિ એ જ ઉત્તમ સાધનાપંથ છે. આ પંથે પહેલાનાં કમ કપાય છે, બન્ધને દૂર થાય છે. પ્રભુભક્તિના આ અમર સ્તોત્રમાં પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના