________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 4. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન ધર્મનો ફાળો - ખુશાલદાસ જગજીવનદાસ દરેક દેશ કે પ્રજાને પોતપોતાની સંસ્કૃતિ હોય છે અને એ સંસ્કૃતિને ઘડવામાં ત્યાંની પ્રત્યેક વ્યક્તિનો, ભૌગોલિક પરિસ્થિતિનો, ઇતરદેશીય આક્રમણોનો તેમની સાથેના વ્યાપારિક સંબંધોનો ઇત્યાદિનો ઓછોવત્તો હિસ્સો હોય છે. તે બધામાં ધર્મોનો સૌથી વિશેષ મહત્ત્વનો હિસ્સો હોય છે. આર્યાવર્તને આંગણે જે સંસ્કૃતિ વિકસી છે, તેના ઘડતરમાં અનેક પ્રજા અને ધર્મોએ યથામતિ પોતપોતાની કળા અને કુશળતા અજમાવી છે. વેદવ્યાસ, વાલ્મીકિ, હેમચંદ્ર કે રવીંદ્ર જેવા ઋષિરાજોએ તેને પોતાની કલ્પના પછી દ્વારા વિવિધ રંગે રંગીને તેને સુશોભિત કરી છે; રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર કે મોહનદાસ જેવા મહાત્માઓએ પોતપોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા તેને સવાંગ સુંદર બનાવેલ છે, પાણિનિ, પતંજલિ, કણાદ, કપિલ, યાજ્ઞવલ્ય, મનુ કે ભદ્રબાહુ જેવાઓએ સંસ્કૃતિના વૃક્ષને જલસિંચન કર્યું છે; સિદ્ધસેન, સમંતભદ્ર, શંકરાચાર્ય, કુમારિક, નાગાર્જુન કે હરિભદ્ર જેવાઓએ તેને પોતાની વિલક્ષણ તાર્કિક બુદ્ધિની એરણ પર ચડાવીને કસી જોઈ છે; અશોક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, હર્ષવર્ધન કે કુમારપાળ જેવા ચક્રવર્તીસમા રાજાઓએ તેને ફેલાવી છે; તુલસીદાસ કે તુકારામ, કબીર કે મીરાં, આનંદઘન કે યશોવિજય, રાજચંદ્ર કે રામકૃષ્ણ જેવા સંત હૃદયોએ તેને સંસ્કારીને સમૃદ્ધ કરેલ છે. દ્રાવિડીપ્રજા, આર્યપ્રજા, હુણ, શક કે મુસ્લિમ ટોળાંઓએ તેને પોતપોતાની અસરધારા ઓપ આપેલ છે તથા તેને પોતાની બનાવવા કોશિશ પણ કરેલ છે; આર્યાવર્તના આદિ કવિથી તે કવિસમ્રાટ કાલિદાસ અને