________________ 320 મનને ઉલેચો... માટે.” આગળ તેઓ કહે છે: “નવું મકાન બાંધવું હોય ત્યારે આપણે જૂની જગ્યા સાફ કરીએ છીએ, જેમાં કેસરવાળું કઢેલું દૂધ નાખવું હોય તે પાત્રને પહેલાં સ્વચ્છ કરીએ છીએ; સ્લેટ-પાટી ઉપર પહેલાં કંઈ ચીતરામણ કરેલું હોય તે નવું લખતાં પહેલાં સાફ કરી નાખીએ છીએ તેવી રીતે જ્યારે ઈશ્વરપાસે કે ગુરુ પાસે જઈએ ત્યારે મનની પાટી, મનનું પાત્ર સ્વચ્છ કરીને જવું જરૂરી છે.' | મુનિશ્રીએ બીજી એક બે વ્યાવહારિક વાતો પણ સરસ કરી છે: એમણે સમજાવ્યું છે કે તમે કોઈ સગાં-સંબંધીને ત્યાં મહેમાન થઈને જાઓ ત્યારે તમારા ઘરની સગવડતાઓ કે શ્રીમંત હો તો વૈભવની સંભાવનાઓ મનમાં રાખીને ન જતા. એ ચિત્ર તમારા મનમાં હોય અને શક્ય છે કે તમારા સગાં કે સ્નેહીના ઘરમાં એ પ્રકારની સગવડતાઓ - સુવિધાઓ ન હોય તો તમારું મન નારાજ થઈ જશે. જે અન્ય આનંદ મિત્રના મિલનનો, નવા વાતાવરણનો કે એમની વિશેષતાઓનો લેવાનો છે તેને કર્યા કરો તો અન્યથા મળનારો આનંદ ગુમાવશો. એટલે જ્યારે કોઈને ત્યાં મહેમાન થઈને જાવ ત્યારે તમારું મન ખાલી કરીને, અપેક્ષા રહિત, તાજાં ફૂલ જેવું પ્રફુલ્લ રાખીને જજો! આનાથી વિપરીત પણ બની શકે. તમે સામાન્ય માણસ હો અને કોઈ શ્રીમંત મિત્ર કે સગાને ત્યાં મહેમાન બનીને ગયા હો, પાછા ઘેર આવો ત્યારે એ સુખ-સગવડતાઓ અને વિલાસ-વૈભવનો સ્વાદ અને અનુભવ ત્યાં જ મૂકીને આવજો. તમારા ઘરની સગવડતાઓ કે તમારા ઘરના સભ્યોના વર્તન સાથે તેની સરખામણી કર્યા કરીને તમારા નિત્યના જીવનની પ્રસન્નતાને રોળી-ટોળી નાખશો નહિ. મનને કોઈએ આપેલા સત્કારથી જેમ ભરી રાખવું યોગ્ય નથી તેમ કોઈએ કરેલા તિરસ્કારથી ભરેલું રાખવું નહિ. જૂનું જલ બંધિયાર થાય તો દુર્ગધ મારે. નવું પાણી, નવો પ્રવાહ, નવી હવા, નવા અનુભવો, જીવનને સદાય તાજું, પ્રફુલ્લિત, પ્રસન્ન રાખે છે. એટલે જ શાસ્ત્ર અને અનુભવી કહે છે: મનને ઉલેચો! ** *