________________ 292 શ્રી મોહનલાલ દ. દેશાઈનું પત્રકારિત્વ - સંપાદકની જવાબદારી નિભાવતાં મોહનભાઈએ કવિકર્મ પણ કર્યું છે. ખાસ કરીને જૈનયુગ'ના ઊઘડતે પાને તેઓ સ્વરચિત કાવ્ય રજૂ કરતા. ભગવાન મહાવીર ઉપરનાં કાવ્યો પ્રમાણમાં વિશેષ જોવા મળે છે. મહાવીરથી માંડી મહાત્મા મોહનદાસ ગાંધી ઉપર એમણે કાવ્યો રચ્યાં છે. 'વીરભક્તિ' એ મોહનભાઈનું કવિ તરીકેનું તખલ્લુસ છે. આ સિવાય કેટલાંક વ્યક્તિવિશેષનાં, કૉન્ફરન્સમાં મંગલાચરણ રૂપે ગાવા માટે લખાયેલાં તેમજ પ્રાકૃત ભાષાનાં જૈન સૂત્રોનો પદ્યાનુવાદ કરેલાં કાવ્યો એમણે આપ્યાં છે. ચરિત્રાત્મક લેખોમાં ‘મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર એ એમનો એક લાંબો લેખ છે. “ભાંડાગારિક નેમિચંદ્ર', 'જૈનાચાર્ય યશોવિજયજી અને તેમની જીવનકલા’, ‘મુનિ મહારાજ શ્રી મોહનલાલજી', 'શ્રેષ્ઠીવર્ય શાંતિદાસજી', ‘સ્થૂલભદ્ર' વગેરે નોંધપાત્ર છે. પત્રકારનો એક ધર્મ સત્યનિષ્ઠ વિચારોનું પ્રસારણ કરવાનો છે, વાતાવરણ સર્જવાનો છે. મોહનભાઈએ એ જવાબદારી પૂરતી નિષ્ઠાથી અને વફાદારીથી નિભાવી છે. વિચારક તરીકે એમનું મન કેવા કેવા પ્રદેશોમાં ફરી વળે છે! સમાજ, રાષ્ટ્ર, ધર્મ, તત્ત્વજ્ઞાન, શિક્ષણ - એ સર્વ ક્ષેત્રે એમની વિચારણા ચાલ્યા કરી છે. સમ્યગદર્શન, નિક્ષેપસ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ, કાલસ્વરૂપ, ત્રણ તત્ત્વ વગેરે એમનાં તત્ત્વદર્શનનાં લખાણો છે. એમાંયે દીક્ષામીમાંસા 'જૈનયુગ'માં ત્રણ હપ્ત પ્રસિદ્ધ થયેલો લાંબો લેખ છે. 'જૈન દષ્ટિએ મહાત્મા ગાંધી” એ લેખમાં મહાત્મા ગાંધીને જૈન દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયાસ છે. ઐક્ય ક્યારે કરીશું?', 'જૈન ગરીબ બાળકો', 'જૈનોમાંથી લાચારી અને ગરીબાઈ દૂર કરવાની જરૂર' જેવા લેખોમાં એમની નજર સમાજ પર મંડાયેલી છે. પાઠશાળાઓ અને વાચનમાળા વિશે મોહનભાઈ પાસે એક ચોક્કસ નકશો છે. દક્ષિણ મહારાષ્ટ્ર જૈન શ્વેતામ્બર પ્રાંતિક પરિષદના પ્રમુખસ્થાનેથી મોહનભાઈએ આપેલું વક્તવ્ય જૈનોની સામાજિક મનોદશા” વિશેનું છે. સાક્ષરશ્રી મનસુખભાઈ, રામલાલ મોદી, કનૈયાલાલ મુનશી સાથેનો પત્રવ્યવહાર, બળવંતરાય ક. ઠાકોરનો મોહનભાઈ પરનો પત્ર, રણજિતરામ મહેતાના મોહનભાઈ પરના પત્રો, ભૂતકાળની કેટલીક ઘટનાઓ બાબતો પરત્વે પ્રકાશ નાખતા હોઈ દસ્તાવેજી મૂલ્યવાળા બન્યા છે. આ ઉપરાંત જુદી જુદી જૈન કૉન્ફરન્સો, ગુજરાતી સાહિત્ય પરિષદ,