________________ 282 અમૃત મહોત્સવ સ્મૃતિ છે એટલે એકવીસમી સદીના એંધાણને સમજી જઈએ તો એ પ્રમાણે બધાં માળખાં ગોઠવવા માંડીએ. કયાં ચાબુકની જરૂર છે અને કયાં લગામની એ સમજી લઈએ. ઘર અને વિદ્યાલય વચ્ચે ઘરોબો કેળવીએ. છાત્રાલયો એ ચારિત્ર ઘડતરનો પાયો છે. સૌ એ સમજે છે પણ નવી ઢબે છાત્રાલયોનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી. ચાબુક અને લગામની વાત છાત્રાલયમાં જ બરાબર સમજાવી શકાય. છાત્રાલયની સફળતાનો આધાર રસોડાની સફળતા ઉપર છે. માંસાહાર પર સમજણપૂર્વકની લગામ મૂકવામાં મુશ્કેલી ન પડવી જોઈએ. આધુનિક આહારશાસ્ત્રનાં પુસ્તકો છાત્રાલયમાં વસાવી પૌષ્ટિકતા અને સ્વાદિષ્ટતાનો સમન્વય કરી શકાય. સારી ચૂંટેલી ફિલ્મો છાત્રાલયમાં જ બતાવાય તો થિયેટરમાં જવાની છાત્રોની વૃત્તિ ઓછી થાય. સારાં ગીતોની કૅસેટો છાત્રાલયમાં જ સંભળાવાય તો સામાન્ય ફિલ્મી ગીતોના પ્રભાવથી છાત્રોને શક્ય તેટલા બચાવી શકાય. વિદ્વાનોના ઉપદેશાત્મક, બોધાત્મક, પ્રવચનો ઓછાં કરી, બૌદ્ધિકો સાથે છાત્રોના સંવાદો ગોઠવી શકાય. જગતમાં ભારત અને ભારતમાં ગુજરાતીઓનો તુલનાત્મક ખ્યાલ આપી શકાય. આમ ડગલે ને પગલે ચાબુક અને લગામ અંગેનો વિવેક જાળવીને આપણા યૌવનધનને યોગ્ય દિશામાં લાવી શકાય. છાત્રાલયના અમૃત મહોત્સવ પ્રસંગે આવો અમૃતમય સંકલ્પ લેવાય એ જ યોગ્ય ગણાશે. તો જ છાત્રો નવકારમંત્ર પ્રમાણે જીવતાં શીખશે. તો જ ભગવાન મહાવીરનાં સૂત્રો જીવંત બનશે. તો જ સામાયિક કરતી વખતે એકાગ્રતા કેળવાશે અને તો જ સમ્યફદર્શન પ્રાપ્ત થશે અને તો જ યૌવનને આંખ માંડવાની સાચી દિશા પ્રાપ્ત થશે. ***