________________ 240 અમૃત મહોત્સવ સ્મૃતિ જેવાં તત્ત્વો ધરાવતી દુહાબદ્ધ લોકવાર્તાઓ સૌરાષ્ટ્ર પ્રદેશની આગવી મૂઈ છે. એક વાત અહીં નોંધવી જોઈએ કે સૌરાષ્ટ્રની કંઠોપકંઠ ઊતરી આવેલ લોકવાર્તા-સૃષ્ટિમાં પરીકથાઓ મળતી નથી. તળપદા લોકજીવન સાથે નીતિ ધર્મ, સંસ્કાર અને સેવા કે સમર્પણની ભાવનાઓ જોડાયેલી છે. એનાથી વિપરીત ભાવસૃષ્ટિની લોકવાર્તાઓ પણ અહીં પ્રચલિત નથી થઈ. ગુજરાતમાં પ્રસિદ્ધ મેનાગુર્જરીની કથા સૌરાષ્ટ્રમાં ખૂબ જ પાછળના સમયમાં લોકવાર્તાના સંપાદકો દ્વારા આવી તે પહેલાં લોકસમુદાયમાં પ્રચલિત નહોતી. લોકનાટય (ભવાઈ) માનવજાત જ્યારથી સમજણી થઈ, સમૂહમાં વસવા લાગી ત્યારથી સંગીત, ચિત્ર, નૃત્ય, નાટ્ય, શિલ્પ, સ્થાપત્ય વગેરે કલાઓનો જન્મ થયો છે. ભારતના જુદા-જુદા પ્રદેશોમાં એ કલાઓ પ્રાદેશિક લક્ષણો અને સ્વરૂપ પ્રકારો મુજબ વિકસતી આવી છે. લોક-સંસ્કૃતિમાં ગીત અને વાર્તાની સાથોસાથ લોકનાટ્યનું સ્વરૂપ પણ એ રીતે જ રામલીલા, જાત્રા, નૌટંકી, તમાશા, રામલીલા કે ભવાઈ નામે જુદાં જુદાં સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ગુજરાતનું પ્રાદેશિક લોકનાટય એટલે ભવાઈ. ભવાઈની રજૂઆત એક ચોક્કસ જાતિ દ્વારા (ભવાયા, તરગાળા, વ્યાસ, નાયક જાતિના કલાકારો દ્વારા) કરવામાં આવે છે. મૂળ ભવાઈ એ શક્તિની ઉપાસનાનું સ્વરૂપ હોવાની સંભાવના છે. ભવાઈના વેશો જે સ્થળે ભજવવાના હોય એ મેદાનને બચાચર ચોક' કહેવામાં આવે છે. અસાઈત ઠાકોર રચિત ભવાઈના વેશોમાંથી ગણપતિ, જૂઠણ, અડવો, ઝંડાઝલગ, છેલબટાઉ, મિયાંબીબી, જસમા ઓડણ, સધરો જેસંગ, દેપાળ-પદમાગી, કાનગોપી, લાલવાદી-લવાદી, કજોડાનો વેશ, વગેરે વેશોમાં જૂના અંશો સચવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની ગ્રામજનતાનું સ્થાનિક મનોરંજન આવા ભવાઈના કાર્યક્રમો છે. એમાં ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક વસ્તુ ધરાવતા લોકનાટ્યના વેશ ભજવવામાં આવે છે. ભવાઈનું સંગીત વિશિષ્ટ પ્રકારનું હોય છે. ભૂંગળ, પખવાજ, ઝાંઝ ને ડબા વગેરે સાજ દ્વારા લોકઢાળ અને જુદા જુદા રાગોની દેશીઓનું ગાન નૃત્ય સાથે કરવામાં આવે છે. સંવાદ, અભિનય, નૃત્ય અને સંગીત એ ચારે અંગોનો સમન્વય ભવાઈમાં થતો હોય છે. તદૃન મર્યાદિત વેશભૂષા, પ્રકાશયોજના કે પ્રસાધનોનો ઉપયોગ કરીને ખૂબ જ અસરકારક રીતે ગ્રામજનોને મનોરંજન પૂરું પાડનાર આ લોકનાટ્ય પ્રકાર સમાજ-સુધારણાનું પણ કાર્ય કરે છે.