________________ 192 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ એક પ્રવાહ ચાલુ થયો. સરકારી પીઠબળ અને અંગ્રેજી ભાષાના વધતાં પ્રભુત્વોને લીધે આ પ્રવાહ એટલો તો જોરદાર બની ગયો કે સમાજસુધારકોએ પોતાની વિલક્ષણ દષ્ટિથી નિહાળેલા સિદ્ધાન્તો એમાં તણાઈ ગયા. મોંઘીદાટ શાળા અને મહાશાળાઓમાં અપાતું શિક્ષણ માત્ર ઉચ્ચ-શ્રીમંત વર્ગનો ઈજારો બની રહ્યું. અંગ્રેજી બોલતા, અંગ્રેજીમાં વિચારતા, બહુજન સમાજથી અળગા તરી આવતા અને પોતાના જ દેશમાં પરદેશી બની જતા “બાબુઓ આ શિક્ષણવ્યવસ્થાની નીપજ બની રહ્યા. આ અસરમાંથી કન્યા-કેળવણી શી રીતે મુક્ત રહી શકે? પરિણામે કન્યા-કેળવણીના ક્ષેત્રે પણ ગંગા-જમુનાના પ્રવાહ જેવાજ ભિન્ન રંગના પ્રવાહો શરૂ થયા. એક તો મહાત્મા ફૂલે, અને મહર્ષિ કર્વે જેવા આર્ષદ્રષ્ટા સમાજસુધારકોએ શરૂ કરેલો-આર્થિક સ્વાવલંબને ધ્યાનમાં રાખી શરૂ કરેલો શિક્ષણ પ્રવાહ. ગામડાની અને શહેરની જરૂરિયાતમંદ સ્ત્રીઓ, નિરાધાર વિધવાઓ, ત્યક્તાઓ જેનું કોઈ નથી એવી અનાથ અબળાઓ, પેટિયું રળી ખાવા કાં તો વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પસાર કરી “મહેતીજી' થાય અથવા તો નર્સની તાલીમ લઈ “પારકાના ગુ-મૂતર ઉસરડે’ અને પેટીયું રળે. પરંતુ આવી સ્ત્રી સમાજના જે વર્ગમાંથી આવતી હતી અને જે કારણસર આવતી હતી તેને લીધે દયાને પાત્ર વધુ હતી. સેવકવર્ગની હતી માટે શિક્ષિત હોવા છતાં, વ્યવસાયી હોવા છતાં, એમનું કોઈ સામાજિક સ્થાન કે પ્રતિષ્ઠા ન હતાં. ન છૂટકે લેવો પડતો આ માર્ગ હતો. બીજે પ્રવાહ હતો ઉચ્ચવર્ગની શ્રીમંત ઘરાણાની સ્ત્રીઓનો. પોતાના પતિને ક્લબમાં, હરવા ફરવામાં, સામાજિક સમારંભોમાં સાથ આપી શકે માટે પાશ્ચાત્ય ઢબની શાળા-મહાશાળાઓમાં જઈ અંગ્રેજીમાં વાતચીત કરતાં શીખે, પાશ્ચાત્ય ભાષા શીખે અને પતિનો માન-મર્તબો વધારી, શાળામાં અભિવૃદ્ધિ કરે. તેમાં પતિથી અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ કે વિચારશક્તિ કેળવવાનો કોઈ પ્રયત્ન ન હતો કે સ્વાવલંબી જીવન જીવવાની જરૂરિયાત સ્વીકારાઈ ન હતી. આ બંને અંતિમ ધ્રુવોની વચ્ચે સામાન્ય વર્ગની સ્ત્રીઓનો સમુદાય આમાંના એક પણ પ્રવાહમાં ઝંપલાવ્યા વગર તટસ્થ રહીને શિક્ષણથી વંચિત જ રહી ગયો. કારણકે બે માંનો કોઈ એક પ્રવાહ બહુજન સમાજને સ્પર્શી શક્યો નહી. પરિણામે કન્યાકેળવણીનો વિસ્તાર મર્યાદિત રહ્યો. સ્વાતંત્ર્યોત્તર કાળમાં માત્ર આંકડામાંજ હિસાબ માંડીએ તો કન્યાકેળવણીના ક્ષેત્રે આપણે ઘણી હરણફાળ ભરી છે, પરંતુ ગંગા-જમુનાના આ બે