________________ 178 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 23. શિક્ષણ અને નૈતિકતા - શેખરચંદ્ર જૈન આજના યુગમાં ધર્મના સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું મૂલ્યાંકન કરવું તે વિભિન્ન દિશામાં ચાલીને લક્ષ્ય સુધી પહોંચવાની નિરર્થક કલ્પના જ લાગે છે. એનું મૂળ કારણ છે શિક્ષણમાંથી ધર્મની થયેલી વિદાય. આજે શિક્ષણ અક્ષરજ્ઞાનના પર્યાયવાચી કે ધનસંચયના માધ્યમના પર્યાયવાચી રૂપેજ દેખાય છે. શિક્ષણનું હાર્દ લોપાઈ ગયેલ છે. માટે આજે ધર્મ કે નૈતિકતા શિક્ષણમાં હોવી જોઈએ તેવી વાતો થાય છે અને અનુભવાય છે કે આજનું શિક્ષણ પ્રાણ વગરના દેહ જેવી સ્થિતિમાં છે. તેમાં મસ્તિષ્કનો વ્યાયામ છે પણ હૃદયની કોમળતા નથી. ચંદ્ર સુધી પહોંચવાની ટેકનીક છે પણ પાડોશીના અંતર સુધી પહોંચવાની દષ્ટિ નથી - ભાવના નથી. - પ્રાચીનકાળમાં શિક્ષણ એ પરિમાર્જન માટેનું સાધન ગણાતું. શિક્ષણ એ સાહિત્યનું જ અંગ હતું. સાહિત્યની પરિભાષામાં શિક્ષણની પરિભાષા સમાયેલી હતી. હિતેન સહિત” તે સાહિત્ય અને શિક્ષણની મૂળ ભાવના હતી. વ્યક્તિત્વને પ્રકાશનારી, અંધકારને દૂર કરનારી શક્તિ રૂપે શિક્ષણની મહત્તા માણસને માણસ બનાવવાની કળા શીખવે તે શિક્ષણ. દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, પ્રમોદ, સહિષ્ણુતાના ગુણોના વિકાસમાં ફાળો આપે તે શિક્ષણ અને તે જ સાહિત્ય. મમ્મટ જેવા આચાર્યે સાહિત્ય અર્થાત્ કાવ્યના પ્રયોજનમાં યશ અને અર્થની સાથે શિવેતરથી રક્ષા કરનારું તત્ત્વ માન્યું છે. શિક્ષણના પર્યાયવાચી તરીકે સંસ્કારને મૂકી શકાય. સમાજ-રચના થયા પછી માણસે અનુભવ્યું હશે કે સમાજમાં વ્યવસ્થા, પરસ્પર સહકાર વગેરે અને સ્વતંત્રતાથી જીવવા માટે કેટલાક નિયમો જરૂરી છે એટલે તેણે કેટલાક