________________ 154 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 19. ધર્મક શિક્ષણની આવશ્યકતા - યશવન્ત શુક્લ શાથી આ પ્રશ્ન ચર્ચવો પડે છે એ પ્રથમ વિચારી લઈએ. આપણી સેક્યુલર (સમ્પ્રદાય નિરપેક્ષ) રાજ્યપ્રથાએ શાળા-મહાશાળાઓમાં ધાર્મિક શિક્ષણની આવશ્યકતા પ્રમાણી નથી. અમુક અંશે પરંપરા પણ એવી જ રહી છે, એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન જે શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી તેમાં પણ ધાર્મિક શિક્ષણ અપાતું ન હતું. જો એક રાજ્યપ્રથાને પોતાની હિંદી વસ્તીના સંસાર વ્યવહારોમાં દખલગીરી કરવાનું વિહિત ન હતું તો બીજી રાજ્યપ્રથાને, સંદર્ભ સ્વરાજ્યનો છે છતાં, બંધારણની સેક્યુલરિઝમની મર્યાદા વળગી છે. એટલે વ્યક્તિને બંધારણે ઉપાસના-સ્વાતંત્ર બન્યું છે પણ રાજ્યને ધર્મ કે સંપ્રદાયથી અસ્પષ્ટ રાખ્યું છે. પહેલાં આવું ન હતું. ત્યારે વિવિધ ધર્મસમાજો પોતે થઈને શિક્ષણનો પ્રબંધ કરતા હતા. જેમકે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં જે શિક્ષણ અપાતું હતું, એ લોકવ્યવહાર માટે જરૂરી એવું શિક્ષણ પણ હતું અને ધર્મસંપ્રદાય વિશેની ભક્તિ દઢાવનારું પણ શિક્ષણ હતું. અંગ્રેજોના શાસનકાળમાં ફેર પડી ગયો. આપણે મેકોલેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર યાદ કરી લઈએ. જ્યારે ભારતમાં પાઠશાળાઓ અને મદ્રેસાઓને શૈક્ષણિક સહાય આપવાની દરખાસ્ત બીજા અંગ્રેજ અધિકારીઓ અને તદ્વિદો કરી રહ્યા હતા ત્યારે મેકોલેએ કહેલું: “આપણે એવી હિંદી પ્રજા તૈયાર કરવી છે જેના લોહીનો અને ચામડીનો રંગ ભારતીય હોય, પણ જેની રુચિ અને વર્તન અંગ્રેજના જેવું હોય.” આખરે મેકોલેનું ધાર્યું થયેલું.