________________ 134 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 16. સાર્વજનિક સંસ્થાઓ અને તેની કાર્યવાહી - પ્રતાપ ભોગીલાલ સમાજને ઉપયોગી થવાના ધ્યેય સાથે આપણા દેશમાં અનેક સાર્વજનિક સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે. નવી સંસ્થાઓ સ્થપાતી જાય છે અને એ રીતે જ્ઞાતિઓ અથવા પોતપોતાના સમાજો તથા સર્વસામાન્ય વિવિધ પ્રકારનાં લોકોપયોગી કાર્યો થતાં રહે છે. જેમ બધી સરિતાઓ છેવટે તો સાગરમાં જ સમાઈ જતી હોય છે તેમ આ પ્રકારની સાર્વજનિક કે જાહેર સંસ્થાઓરૂપી સરિતાઓ પણ દેશ અથવા રાષ્ટરૂપી સાગરમાં સમાઈને, આખરે તો દેશોન્નતિનું જ કાર્ય કરે છે. આ પ્રકારની જાહેર સંસ્થાઓનું એક બંધારણ ઘડાય છે. આ બંધારણ કાં તો પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ અથવા સોસાયટી ઍક્ટ હેઠળ ઘડવામાં આવે છે. બંધારણોમાં ભિન્નતા હોવાનો સંભવ ખરો પણ પ્રત્યેક સંસ્થાનું ધ્યેય તો અભિન્ન રહેવાનું અને તે છે સમાજોપયોગી થવાનું, સામાન્ય મનુષ્યને લાભ આપવાનું અને તે રીતે સમાજને અને દેશને ઉન્નત કરવાનું. આવી જાહેર સંસ્થાઓ બહુધા સામાજિક, ધર્માદા યા ધાર્મિક સંસ્થા કે ટ્રસ્ટ હોય છે, અથવા તો કૉઓપરેટિવ સોસાયટી. ધાર્મિક, શૈક્ષણિક અને સમાજને લાભદાયી પ્રવૃત્તિઓને વરેલી જાહેર સંસ્થાઓની સંખ્યા આપણા દેશમાં વધુ છે. ધાર્મિક સંસ્થાઓ ધર્મસ્થાનકોને લગતી તમામ જવાબદારીઓ સંભાળતી હોય છે. ધર્મના આચારવિચાર, નીતિનિયમો, પરંપરાઓ અને તે તે ધર્મના અનુયાયીઓને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરાતી હોય છે. ધર્મ જેવી સંવેદનશીલ બાબતમાં આધુનિક યુગના પ્રભાવ પ્રમાણે કંઈક પરિવર્તન કરવા