________________ 132 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વાલી સંપર્ક વિદ્યાર્થીને ચારિત્ર્ય ઘડતરમાં રસ ધરાવનાર શિક્ષકો તથા અધ્યાપકો વખતો વખત શક્ય હોય તેટલા વિદ્યાથીઓના ઘેર અથવા એમના છાત્રાલયખંડમાં જાય અને વ્યક્તિગત સંપર્ક સાધે. વિદ્યાથીને ઘેર જવાથી વાલી સંપર્ક થાય છે. એથી વિદ્યાર્થીની રુચિ, વિદ્યાર્થીને વિકાસની શક્યતાઓ, વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ વગેરેનો ખ્યાલ મળે છે. વાલી તથા શિક્ષકના પરસ્પરના સહકારમાં વિદ્યાર્થીને ઘડતર માટે એ રીતે અસરકારક કામ થઈ શકે છે. આદર્શને નજર સમક્ષ રાખીએ ચારિત્ર્ય ઘડતરની પ્રક્રિયામાં જે તે સંસ્થાના નિષ્ઠાવાન શિક્ષકો અને દષ્ટિવંત આચાર્ય ચાવીરૂપ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી તરફ વિશુદ્ધ પ્રેમભાવ ધરાવતા શિક્ષકો દરેક કક્ષાએ ઓછી સંખ્યામાં મળવાના. પણ એવા શિક્ષકો સાવ નહિ મળે એમ નહિ. એવા શિક્ષકોને અભિપ્રેરિત (મોટીવેટ) કરવા, એમને ઉત્તેજન આપવું એ આચાર્ય અને સંસ્થા સંચાલકનું કામ છે. ચારિત્ર્ય ઘડતરનો આદર્શ આપણે રાતોરાત સિદ્ધ કરી શકીશું નહિ, પરંતુ એ આદર્શને સતત નજર સમક્ષ રાખી, એના તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધતા રહેવાનો નિર્ણય આપણે કરવો પડશે. કાર્યશિબિર વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં રસ ધરાવનાર શિક્ષકો, અધ્યાપકો અને સંસ્થા-સંચાલકોનો નાના પાયા ઉપર એક દિવસનો કાર્યશિબિર જરૂરિયાત મુજબ અવારનવાર યોજી શકાય. આવું મિલન શિક્ષકને બળ અને માર્ગદર્શન પૂરું પાડશે. એમાં અનુભવનું આદાનપ્રદાન થઈ શકે. આ કાર્યશિબિરના કાર્યક્રમની વિગતો નક્કી કરી શકાય. શિક્ષકના અને વિદ્યાર્થી-ઘડતરના પ્રશનોનો વિચાર એમાં જરૂર થઈ શકે. એમાં વિદ્યાથીઓને પણ સામેલ કરી શકાય. વાતાવરણનું નિર્માણ લાંબાગાળાના સહિયારા પુરુષાર્થ દ્વારા ચારિત્ર્ય ઘડતર માટેની આબોહવાનું નિર્માણ થઈ શકે. એવી આબોહવામાં શ્વાસ લેતો વિદ્યાથીં ચારિત્ર્ય ઘડતરના સંસ્કાર સહજ રીતે મેળવશે. એટલે આપણું ધ્યેય આપણા વિદ્યાધામમાં એવી આબોહવાના નિર્માણનું હોવું ઘટે. આપણે ઘણીવાર શિક્ષણને વર્ગ શિક્ષણ, પરીક્ષા, ઇતર પ્રવૃત્તિઓ એવા વિભાગોમાં ખંડિત કરીએ છીએ. શિક્ષણને એક અખંડ એકમ તરીકે જોવું જોઈએ. તેથી ઉપર દશવિલી પ્રવૃત્તિઓ શિક્ષણના એક અનિવાર્ય ભાગ તરીકે હાથ ધરવી જોઈએ, અભ્યાસેતર (એસ્ટ્રા-ક્યુરીક્યુલર”) પ્રવૃત્તિઓ તરીકે નહિ.