________________
જૈનદર્શનમાં કર્મવાદ
41
(૮) અંતરાય કર્મ : આ કર્મ ભંડારી જેવું છે. જેમ રાજભંડારી રાજાને અનુકૂળ હોય તો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે દાનાદિ કરી શકે અને આ રાજભંડારી રાજાને પ્રતિકૂળ હોય તો આડીઅવળી વાતો કરીને રાજાને પોતાની ઇચ્છા મુજબ દાનાદિ આપવા ન દે. તેમ અંતરાય કર્મ આત્માને પોતાની ઇચ્છા પ્રમાણે દાનાદિ ક્રિયા ન કરવા દે. તેમાં વિઘ્ન કરે તે કર્મ અંતરાય કર્મ કહેવાય છે.
(૧) જ્ઞાનના પાંચ ભેદ છે. તેથી જ્ઞાનાવરણીય કર્મના પણ પાંચ ભેદ છે. મતિજ્ઞાનાવરણીય. શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મનઃપર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય.
(૨) દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. ચક્ષુદર્શનાવરણીય આદિ ૪ અને પાંચ પ્રકારની નિદ્રા એમ કુલ ૯ ભેદ છે.
(૩) વેદનીય કર્મના શાતા અને અશાતા એમ બે ભેદ છે.
(૪) મોહનીય કર્મ તેના દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય - એમ મુખ્ય ૨ ભેદ છે. ત્યાં દર્શનમોહનીયના ૩ અને ચારિત્રમોહનીય કર્મના ૨૫ ભેદ છે. કુલ ૨૮ ભેદ છે.
(૫) આયુષ્ય કર્મના દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય ઇત્યાદિ ૪ ભેદ છે.
(૬) નામ કર્મના પિંડપ્રકૃતિ અને પ્રત્યેકપ્રકૃતિ એમ મુખ્યત્વે બે ભેદ છે. પિંડપ્રકૃતિના ૧૪ અને પ્રત્યેકપ્રકૃતિના ૨૮ ભેદ છે.
(૭) ગોત્ર કર્મના ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એમ બે ભેદ છે.
(૮) અંતરાય કર્મના દાનાન્દરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય ઇત્યાદિ ૫ ભેદ છે.
આઠે કર્મના મળીને કુલ ૧૨૦ ભેદ થાય છે. સમકિત મોહનીય અને મિશ્રમોહનીયને ગણતાં ૧૨૨ થાય છે. શરીરથી બંધન-સંધાતન જુદાં જુદાં ગણાતાં ૧૪૮ અને ૧૫૮ પણ થાય છે. સ્થિતિબંધનું વર્ણન
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મ આ ચાર કર્મ ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા સાથે રહે તેટલું બંધાય છે. મોહનીય કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા સાથે રહે તેવું બંધાય છે. નામ કર્મ અને ગોત્ર કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા સાથે રહે તેવું બંધાય છે અને આયુષ્ય કર્મ ૩૩ સાગરોપમ સુધી આત્મા સાથે રહે તેવું બંધાય છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણવો.
આ આઠે કર્મ ઓછામાં ઓછી કેટલી સ્થિતિવાળાં બંધાય તે જઘન્યસ્થિતિબંધ કહેવાય. ત્યાં નામ કર્મ અને ગોત્ર કર્મ જઘન્યથી આઠ મુહૂર્ત બંધાય. વેદનીય કર્મ જઘન્યથી બાર મુહૂર્ત બંધાય છે. આયુષ્ય કર્મ જઘન્યથી ક્ષુલ્લકભવની સ્થિતિવાળું બંધાય. અને બાકીનાં ચાર કર્મો જઘન્યથી અંતર્મુહૂર્ત સ્થિતિવાળાં બંધાય છે. આ આઠમાં આયુષ્ય વિના સાત કર્મોની જઘન્યસ્થિતિ નવમા-દસમા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણીમાં અતિશય વિશુદ્ધિવાળા જીવને બંધાય છે.
૨સબંધ : બાંધેલાં કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે કર્મ કેટલા જુસ્સાથી અર્થાત્ પાવરથી જીવને ફળ આપશે તેનું નક્કી થવું તે રસબંધ. આ વિષયને સમજાવવા પુણ્યપ્રકૃતિઓ માટે શેરડીના