________________
સાધર્મિક વાત્સલ્ય
221
હવે તે નોકરી કરવા જઈ શકે એમ નથી. જો તમે તમારી સંસ્થા દ્વારા મને અનાજ-કરિયાણાની થોડી મદદ કરો તો અમારા પરિવારને રાહત મળે.’
હરિભાઈએ બહેનને પૂછ્યું, ‘તમને કેટલી સહાયની જરૂર છે ?'
બહેન કહે, ‘પાંચ-દસ કિલો અનાજ અને થોડું કરિયાણું અપાવો તો ઘણું છે.'
તરત હરિભાઈએ પૂછ્યું, ‘એટલું અનાજ અને કરિયાણું ખતમ થઈ જશે પછી શું કરશો ?'
એ બહેન કશો જવાબ ન આપી શક્યાં. કદાચ એમનો જવાબ એ જ હતો કે એ વખતે ફરીથી ક્યાંકથી સહાય મેળવવા કોશિશ કરીશું. એમનો મૌન જવાબ સાંભળીને હરિભાઈએ કહ્યું, ‘અમે તમને તમે ઇચ્છો છો એવી મદદ તો નહીં કરીએ, પણ તમે ઇચ્છો તો તમારે કદી ફરીથી મદદ માગવા ક્યાંય જવું જ ન પડે એવી મદદ કરીએ.'
બહેન મૂંઝવણભરી નજરે હરિભાઈ સામે તાકી રહ્યાં. હરિભાઈએ કહ્યું, ‘બહેન, હું અત્યારે તમને બે મણ બટાકા અને વેફર બનાવવાનાં બે મશીન આપું છું. તમારે એ બટાકાની વેફર બનાવીને હું એડ્રેસ આપું એ નમકીનવાળાની દુકાને પહોંચાડી દેવાની. તમને એના પૈસા એ દુકાનવાળો આપી દેશે. પછી ફરીથી પાછા બે મણ બટાકા તમને આપીશું. તમારે ફરીથી વેફર બનાવીને પહોંચાડવાની. તમને આ રીતે નિયમિત પૈસા મળશે. વળી, તમે જેટલી વધારે મહેનત કરશો એટલા વધારે પૈસા તમને મળતા રહેશે.’ બહેને હા પાડી અને એ મુજબની બધી વ્યવસ્થા થઈ ગઈ.
મજાની વાત તો હવે આવે છે.
આ ઘટનાને છ મહિના માંડ થયા ત્યાં એ બહેન ફરીથી સદ્વિચાર પરિવારની ઑફિસે હરિભાઈને મળવા આવ્યાં. આ વખતે એમની આંખોમાં લાચારી કે આજીજી નહોતી. એમણે ગૌરવથી હરિભાઈની સામે વેફર બનાવવાનાં દસ મશીન મૂક્યાં અને કહ્યું, ‘સાહેબ, ભવિષ્યમાં તમારી પાસે · મારી જેમ કોઈ વ્યક્તિ મદદ માગવા આવે તો એને પણ તમે મને આપી હતી તેવી જ મદદ કરજો. તમે આપેલાં વેફર બનાવવાનાં મશીનથી અમને કાયમી રોજગારી મળી ગઈ છે. મારો પતિ પગેથી અપંગ છે, પણ હાથ વડે વેફર તો બનાવી શકે છે. એને હવે પરવશતાનો અભિશાપ ડંખતો નથી. એટલું જ નહીં, અમારો સમગ્ર પરિવાર એમાં જોડાઈ ગયો છે. આજે હું કોઈ મદદ માગવા નથી આવી, પરંતુ સામેથી વેફર બનાવવાનાં આ મશીન ભેટ આપવા આવી છું. આ મશીનો તમે અમારા જેવા અન્ય લાચાર પરિવારને આપી શકશો.’
મારી અને હિરભાઈની આંખો છલકાઈ ગઈ. સાચી સહાય કેવું રૂડું કામ કરી શકે છે ! એક ઓશિયાળી વ્યક્તિ અન્ય અનેકને માટે સહાયરૂપ બની શકે એ વાત સ્વયં એક ચમત્કાર જ નથી શું ?
સાધર્મિક સંવેદનાની ગંગા આપણે આ રીતે વહાવવાની છે.