________________
જૈન યોગ અને પાતંજલ યોગ
201
અવિચાર એ પાતંજલ યોગસંમત સંપ્રજ્ઞાત સમાધિના સદશ છે કારણ કે સંપ્રજ્ઞાત યોગ આલંબનના બળથી થાય છે અને પ્રથમના બે શુક્લધ્યાન શ્રુતના આલંબનપૂર્વક હોય છે. શુક્લધ્યાનના પછીના બે ભેદ – સૂક્ષ્મક્રિયા પતિપાતિ અને સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ એ અસંપ્રજ્ઞાત સમાધિના સદશ બતાવેલા છે. અસંપ્રજ્ઞાત સમાધિ એ ધ્યેયરૂપ આલંબન વિનાની નિર્ભુજ સમાધિ છે. શુક્લધ્યાનનાં છેલ્લાં બે ધ્યાન સર્વ આલંબનરહિત હોય છે. સર્વ દોષરહિત જેને નિર્મળ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તેને હોય છે.
પાતંજલ મત પ્રમાણે ચિત્તના જે પાંચ પ્રકાર છે તેમાંથી માત્ર એકાગ્ર અને નિરુદ્ધ દશામાં જ સમાધિ અર્થાત્ યોગ હોય છે. વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો ફક્ત આરંભ જ હોય છે અને ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં તો વ્યુત્થાન દશા જ છે. એકાગ્ર અને નિરુદ્ધ આ બે જ ચિત્તદશા સમાધિમાં ઉપયોગી થાય છે કારણ કે તેમાં સત્ત્વગુણનો અતિરેક હોવાથી ચિત્ત લાંબા સમય સુધી દીપકની જેમ સ્થિર થઈ શકે છે. ચિત્ત એકાગ્ર હોય તેને જ સંપ્રજ્ઞાત યોગ કહે છે. જ્યારે નિરુદ્ધ ચિત્તમાં વૃત્તિમાત્રનો અભાવ થયો હોય છે. માત્ર સંસ્કાર જ શેષ રહેલા હોય છે તેને જ અસંપ્રજ્ઞાત યોગ કહેવાય છે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં સત્ત્વ ગુણનો ઉત્કર્ષ જ નથી તથા વિક્ષિપ્ત ચિત્તમાં સ્થિરતા નથી માટે તે ચિત્ત સમાધિમાં ઉપયોગી નથી.
ઉપાધ્યાય યશોવિજયજી પાતંજલ મત સાથે સહમત થતા નથી. કારણ કે ઘટ બનાવવાની ક્રિયા માટીનો પિંડ બનાવવાથી શરૂ થાય છે. જ્યાં સુધી ઘટ બને નહીં ત્યાં સુધીની ક્રિયામાં અંશાત્મક ઘટ ઉત્પન્ન થાય જ છે. વિક્ષિપ્ત ચિત્તમાં સત્ત્વગુણના ઉદ્રકથી યોગનો આરંભ થાય જ છે. એટલે એ સમયે પણ કર્મ-નિર્જરારૂપ ફળ તો પ્રાપ્ત થાય જ છે. તે રીતે વિક્ષિપ્ત ચિત્તમાં અંશાત્મક યોગ માનીએ તો જ તેના પરિણામે નિરુદ્ધ અવસ્થામાં સંપૂર્ણ યોગ પ્રગટ થાય. માટે વિક્ષિપ્ત ચિત્તને પણ યોગસ્વરૂપ માનવું જોઈએ. આ નિશ્ચયનયનું તાત્પર્ય છે. (જૈનદર્શનમાં નિશ્ચયનયના અભિપ્રાય મુજબ કરાતું પણ કાર્ય કરાયેલ કહેવાય છે.).
પતંજલિ ઋષિએ ચિત્તની શુદ્ધિ માટે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓ કહી છે. ___मैत्री करुणा मुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चितप्रसादनम् ।।१.३३ ।।
योगसूत्र
અર્થ : સાધકે સુખીમાં મૈત્રીની, દુઃખીમાં કરુણાની, પુણ્યવાનમાં મુદિતાની અને પાપીમાં ઉપેક્ષાની ભાવનાથી ચિત્તમાં દોષોની નિવૃત્તિ કરવી.
જૈનદર્શનમાં આત્મભાવમાં સ્થિરતા લાવવા આ જ ચાર ભાવનાનો ઉલ્લેખ કરાયેલો છે. मैत्रीप्रमोदकारूण्य-माध्यस्तपरिचिन्तनम् ।
જૈનદર્શનમાં મૈત્રી વધારે સૂક્ષ્મ રીતે બતાવેલી છે. પ્રાણીમાત્ર સાથે એટલે છ-કાયના બધા જીવો ' સાથે મૈત્રીભાવ કેળવવાનું કહેલું છે. જ્યારે પાતંજલ યોગસૂત્રમાં સુખી પ્રાણી સાથે મૈત્રી બતાવવામાં
આવી છે.