________________
163
જ્ઞાનભંડારો અને હસ્તપ્રતોની વિશેષતાઓ ખંભાતે પણ સંશોધકો અને વિદ્વાનોને આકર્ષ્યા છે. વિક્રમના અઢારમા સૈકામાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય અને કવિ શ્રી જ્ઞાનવિમલસૂરિએ સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક રચનાઓ કરી છે. શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓ ઉપર તેમણે બાલાવબોધ અથવા ગુજરાતી ગદ્ય ટીકાઓ રચેલી છે જેનો આજે પણ વિદ્વાનો અભ્યાસ કરે છે. જ્ઞાનવિમલસૂરિનું સાચું સ્મારક સક્કરપરામાં આવેલી પગલાંવાળી દહેરી નહિ, પરંતુ એમના નામનો જ્ઞાનવિમલસૂરિ ગ્રંથભંડાર જ તેમનું એક વિશિષ્ટ અને ગૌરવભર્યું સ્મારક કહી શકાય.
શ્રી ભોગીલાલ સાંડેસરાએ ખંભાતના ગ્રંથભંડારો ઉપર આકાશવાણી પરથી આપેલા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાનમાં જૈનોની ઠીક ઠીક વસ્તીવાળું એક પણ શહેર કે કમ્બો ભાગ્યે જ હશે, જેમાં નાનો-મોટો હસ્તલિખિત ગ્રંથભંડાર ન હોય. આ કથન ઉપરથી ફલિત થાય છે કે જૈનેતરોએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવવા જૈન સમાજની તુલનાએ ભાગ્યે જ પ્રયત્ન કર્યો છે.
સૌરાષ્ટ્રમાં આવેલા પાલિતાણા, માંગરોળ, જામનગર, લીંબડી, ભાવનગર, ઘોઘા, વઢવાણ કૅમ્પ વગેરે સ્થળોએ આવેલા જ્ઞાનભંડારોમાં લીંબડીનો જ્ઞાનભંડાર સવિશેષ મહત્ત્વનો છે. એમાં અભ્યાસ કરી શક્રય એવી ૩૫૦૦ કરતાં પણ વધુ પ્રતો છે. આ સંગ્રહમાં વિક્રમના પંદરમા સૈકા સુધીની ઘણી અગત્યની પ્રતો છે. સુવર્ણાક્ષરી પ્રતો તેમજ સુવર્ણાક્ષરી ચિત્રો સાથેનું કલ્પસૂત્ર વગેરે મહાન ગ્રંથો અહીં વિદ્યમાન છે.
જેસલમેરના જ્ઞાનભંડારો : જેસલમેરમાંના પહાડ પર આવેલ કિલ્લામાં રાજાનો મહેલ છે તેમજ જૈનોએ બંધાવેલાં આઠ શિખરબંધ મંદિરો છે જેને અતિ ભવ્ય કલાનાં ધામો કહી શકાય. આવાં કલાધામો વચ્ચે વિશ્વવિખ્યાત જૈન ભંડારો જેને જ્ઞાનતીર્થો કહી શકાય એવા ૧૦ ભંડારો આવેલા છે.
આ જ્ઞાનભંડારોમાં અંદાજે બારથી તેર હજાર જેટલી હસ્તપ્રત ગ્રંથસંખ્યા છે. આમાં મહત્ત્વના - તાડપત્રીય ગ્રંથોનો પણ સમાવેશ થયેલો છે.
આ ઉપરાંત બીકાનેર, બાડમેર, નાગોર, પાલી, જાલોર, મુંડારા, રતલામ, ઉદેપુર, હોશિયારપુર, આગ્રા, શિવપુરી, કાશી, બાઉચર, કૉલકાતા વગેરે સ્થળોએ પણ જ્ઞાનભંડારો આવેલા
હસ્તપ્રતભંડારોની વિશેષતાઓ :
જૈન જ્ઞાનભંડારો એ ભારતીય સંસ્કૃતિમાં વારસાના સાચા સંરક્ષકો છે. આ જ્ઞાનભંડારોના કારણે જ આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિની સાચી ઓળખ મેળવવા ભાગ્યશાળી થયા છીએ. એક હજાર વર્ષનો સળંગ ઇતિહાસ આપણને ભંડારોમાં સંગ્રહાયેલી હસ્તપ્રતોને કારણે જાણવા મળે છે તેમજ હસ્તપ્રતોમાં સચવાયેલી જ્ઞાનવારસાની વિશેષતાઓ પણ જોવા મળે છે.
બિનસાંપ્રદાયિકતાનું દર્શન : ચાવડા વંશના પહેલા રાજા વનરાજે ઈ. સ. ૭૪૫-૪૬માં અણહિલવાડ પાટણ વસાવ્યું હતું અને ત્યારે પાટણ ગુજરાત રાજ્યની રાજધાની હતું. તે સમયથી તે આજ સુધી આ પાટણ શહેર ગુજરાતના જૈન ધર્મનું મુખ્ય અને મહત્ત્વનું મથક રહ્યું છે.