________________
142
મહેશ ચંપકલાલ
અભિનય સિવાય તેમાં અન્ય અભિનયો પ્રયોજાતા નથી. સાહિત્યદર્પણકારે તેથી જ કદાચ ઉપરૂપકો અંતર્ગત તેનો સમાવેશ કર્યો નથી.
ભોજે શમ્યાનો ‘નર્તનકીના એક પ્રકાર તરીકે ઉલ્લેખ કર્યો છે. શમ્યા, લાસ્ય, છલિત અને દ્વિપદીને “નર્તનક'ના વિવિધ પ્રકારો કહ્યા છે. નાટ્યદર્પણકારે શમ્યાનાં જે લક્ષણો ગણાવ્યાં છે તેને ભોજે નર્તનકનાં લક્ષણો તરીકે નિરૂપ્યાં છે. નૃત્યના એક પ્રકાર તરીકે છલિતનો ઉલ્લેખ કાલિદાસે માલવિકાગ્નિમિત્ર'માં કર્યો છે. તેના પ્રથમ અંકમાં માલવિકા, ગણદાસ પાસેથી છલિત નૃત્ય શીખી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. પંડિતા કૌશિકી રાજા આગળ નિવેદન કરે છે –
પરિવાજિકાઃ મહારાજ, ચાર પદવાળા ચલિત-છલિત નૃત્યનો પ્રયોગ અઘરો માનવામાં આવ્યો છે, તે એક જ વિષયમાં બંનેનો પ્રયોગ જોઈએ. એનાથી જ બંનેનું શિક્ષણકૌશલ્ય જણાઈ જશે.
બીજા અંકની શરૂઆતમાં નૃત્યસ્પર્ધા સમયે, ગણદાસ ઉંમરમાં મોટા હોવાથી તેમની શિષ્યા માલવિકાનો નૃત્યપ્રયોગ રજૂ થાય છે તે સમયે ગણદાસ રાજાને નિવેદન કરતાં કહે છે –'
ગણદાસ મહારાજ, મધ્યમ લયવાળી શર્મિષ્ઠાની ચાર પદવાળી કૃતિ છે. તેના ચોથા પદનો પ્રયોગ આપ એકાગ્રચિત્તે સાંભળશો.
પરિવ્રાજિકા અને ગણદાસના સંવાદ પરથી ફલિત થાય છે કે છલિત નૃત્યમાં ચાર પદવાળી કૃતિ મધ્યમ લયમાં રજૂ કરવામાં આવે છે. ચોથા પદનો પ્રયોગ પ્રમાણમાં અઘરો હોય છે.
શમ્યા'નો અર્થ થાય છે વિવિધરંગી ટૂંકી, વેંત જેટલી લાંબી લાકડીઓ “દાંડિયા' - જેનો નર્તન સમયે તાલ આપવા માટે પ્રયોગ કરવામાં આવે છે. વળી “શમ્યા' એક પ્રકારની હસ્તક્રિયા છે જેમાં નૃત્ય કરતી વખતે હાથ હથેળીમાં પછાડી તાલ આપવામાં આવે છે જેનો ઉલ્લેખ ભરત નાટ્યશાસ્ત્રના ‘તાલઅધ્યાય'માં કર્યો છે. આમ “શમ્યા'નો મૂળ અર્થ વેંત લાંબી લાકડી અથવા હાથ વડે તાલ આપવો એવો થાય છે. તેના આધારે નૃત્યનું નામ પણ “શમ્યા' થયું. “શમ્યા' પ્રકારના નૃત્યમાં નર્તન કરતી લલનાઓ દ્વારા લાકડી વડે તાલ આપવામાં આવે છે, જેમ કે “દંડ-રાસક'માં અથવા તો પછી તમિલનાડના “કોલટ્ટમ' પ્રકારના નૃત્યમાં કે જેમાં કાં તો છોકરા-છોકરીઓ બંને અથવા તો કેવળ છોકરીઓ બે હારમાં વહેંચાઈ જઈ બે રંગીન લાકડીઓ (કૉલ) બંને હાથમાં રાખી તાલ આપે છે, કાં તો પોતાના હાથમાં અથવા તો પછી ગોળ ફરી સામાવાળાના હાથમાં. આ દાંડિયા-રાસનો જ એક પ્રકાર છે. મલબારના “કેકટ્ટિકલિ' તથા તમિલનાડુના નૃત્ય “કુડિસ્કુપટ્ટ'માં હાથ દ્વારા તાલ આપવામાં આવે છે, જેમ કે આપણા “ગરબા”માં.
દ્વિપદી' લયનું સંગીતરચનાનું તથા તેના ઉપર આધારિત નૃત્યનું નામ છે. (૮) પ્રેક્ષક :
સાહિત્યદર્પણમાં “પ્રેક્ષણકાના સ્થાને “પ્રવણ' સંજ્ઞા પ્રયોજવામાં આવી છે અને તેનું લક્ષણ આ પ્રમાણે નિરૂપવામાં આવ્યું છે. તેમાં એક અંક હોય છે. ગર્ભ અને વિમર્શ સન્ધિઓ નથી હોતી. હીન પુરુષ નાયક હોય છે. સૂત્રધાર નથી હોતો. વિષ્કમ્મક તથા પ્રવેશક પણ નથી હોતા. ધન્વયુદ્ધ