________________
16
વિનોદ કપાસી
બ્રિટનમાં જૈન ધર્મ
ઈ. સ. ૨૦૧૧ની બ્રિટનની વસ્તી-ગણતરી પ્રમાણે બ્રિટનમાં પંદર હજાર જેટલા જેનો વસે છે. જોકે સાચો આંકડો તો ૩૦ હજારથી વધારે જૈનો હોય તેમ માનવામાં આવે છે. વસ્તી-ગણતરીના ફૉર્મમાં તમારો ધર્મ કયો છે તે સહુએ જણાવવાનું હતું. આ માટે સહુએ એક ખાના પર ચોકડી મારવાની હતી. ફૉર્મમાં ખ્રિસ્તી, બૌદ્ધ, હિંદુ, મુસ્લિમ જેવા મુખ્ય ધર્મો જ દર્શાવેલા હતા. તેથી જૈનોએ જ્યાં હિંદુ લખ્યું હતું ત્યાં જ ટીક કર્યું હોય તે સ્વાભાવિક છે. જોકે અમુક લોકોએ ખાસ જૈન લખીને ફોર્મમાં જણાવેલ અને તે પરથી જૈનોની સંખ્યા ૧૫થી ૨૦ હજારની વસ્તી ગણતરીમાં આવી છે.
વસ્તી-ગણતરીની બાબતમાં ઉપરોક્ત વાત ક૨વાનો હેતુ એ જ કે જૈનો પોતે જ પોતાનો ધર્મ એક સ્વતંત્ર ધર્મ છે તેમ દર્શાવવાને બદલે હિંદુ માનીને સંતોષ અનુભવે છે. આ પ્રકારના માનસને લઈને કેટલા જૈનો છે તેનો સાચો આંકડો મળી શકતો નથી.
બ્રિટનમાં જૈનોના વસવાટનો ઇતિહાસ બહુ પ્રાચીન નથી. પૂર્વ આફ્રિકાના દેશોમાં તો વીસમી સદીની શરૂઆતથી જૈનોએ વસવાનું શરૂ કર્યું હતું. કેટલાક ઓસવાળ સાહસિકો તો કદાચ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ત્યાં ગયેલા તેવા ઉલ્લેખો મળે છે.
૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે બાદ ધીરે ધીરે આફ્રિકાના દેશોમાં સ્વાતંત્ર્યનો નાદ ગુંજવા લાગ્યો. પણ આની સાથોસાથ પૂર્વ આફ્રિકામાં વસેલા ભારતીયો માટે પરિસ્થિતિ પ્રતિકૂળ બનવા લાગી. પૂર્વ આફ્રિકાના બે મુખ્ય નગરો નૈરોબી અને મોમ્બાસામાં જૈનોની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી. આ સિવાય નુકુરુ, કંખાલી, ઝીંઝા, એડન, સુદાન, ઝાંઝીબાર, દારેસલામ વગેરે જગ્યાએ પણ જૈનો વસતા હતા. આ રીતે