________________
ભગવાનદાસ પટેલ
લોકધર્મના અધિષ્ઠાતા દેવતા શિવ-શક્તિ છે. મહાદેવે આ પંથ ચલાવ્યો હોવાથી આ પાટને મહાપંથ કે મહાધર્મ પણ કહે છે. આ ધર્મમાં લિંગભેદ કે સામાજિક સ્તરભેદ વિના જતિ-સતી બની કોઈ પણ વ્યક્તિ દીક્ષિત થઈ શકે છે અને ગુરુ બનાવી શકે છે. ભીલ આદિવાસીઓ મિશ્ર આહારી હોવા છતાં પાટમાં સહભાગી વ્યક્તિએ પ્રસંગ પૂરતો તો માંસ-મદિરાનો ત્યાગ કરવો પડે છે. આ પાટના ધાર્મિક અનુષ્ઠાન પ્રસંગે સ્ત્રી ગુરુના સ્થાને હોય છે (હવે આ પરંપરા ઘસાવા લાગી છે,) અને સ્ત્રીના વ્યક્તિત્વનું ગૌરવ કરતી ગતગંગા (ધાર્મિક સભા) તેના આદેશને સન્માન આપી અનુસરે છે.
126
આ જીવનદર્શન-ધર્મદર્શનમાંથી આવિર્ભૂત ભીલોના ભારથમાં આથી તો રાજકીય, ધાર્મિક અને સામાજિક સત્તા કુંતી-દ્રૌપદી જેવી કારોબારકુશળ સ્ત્રીઓના હાથમાં છે. સ્ત્રીઓ અહીં રાજકીય, ધાર્મિક અને સામાજિક વ્યક્તિત્વ સાથે સશક્તીકરણ સાથે પ્રગટ થાય છે. તેઓ પણ પુરુષોને આતંકિત નથી કરતી, પરંતુ જ્યાં પણ પુરુષો ભૂલ કરે છે ત્યાં રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનની માર્ગદર્શક બને છે.
રૉમ-સીતમાની વારતા અને ભારથમાં સ્ત્રીનાં પ્રમુખ ત્રણ રૂપો દુહિતા, પુત્રવધૂ-પત્ની અને માતા વિના લિંગ ભેદ અથવા વિના સામાજિક-ધાર્મિક તથા રાજકીય સ્તર ભેદ સમાન અધિકાર પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, દાસી જેવાં સામાન્ય સ્ત્રી-પાત્રો પણ રાજા અથવા રાણીના વ્યક્તિત્વથી પ્રભાવિત નથી. રૉમ-સીતમાની વારતામાં તો વાઘ, ખિસકોલી, વાનર જેવાં પ્રકૃતિતત્ત્વો પણ ભાઈ-મામા-મામી-માસી જેવા સામાજિક સંબંધો સ્થાપિત કરે છે. અહીં નથી તો પોતાની ઉચ્ચ જાતિના અહંથી પ્રભાવિત કરતો બ્રાહ્મણ સમાજ અથવા નથી તો અન્ય સમાજોને ભયાનક લાગતો અને નીચ માનવામાં આવતો રાક્ષસ સમાજ. આથી અહીં રાવણનો ઉલ્લેખ રાજા સિવાય રાક્ષસ રૂપે નથી થયો. અહીં માનવજગત અને પ્રકૃતિજગત એક સમાન માનવીય ભૂમિ ૫૨ વિચ૨ણ કરે છે. તેનું મુખ્ય કારણ ભીલોનું સમતાવાદી મહામાર્ગી જીવનદર્શન છે. આ અર્થોમાં રૉમ-સીતમાની વારતા અને ભારથ સ્ત્રીજીવનનાં અનેક સ્વતંત્ર સ્વરૂપો પ્રગટાવતાં અને સ્ત્રીના વ્યક્તિત્વનું ગૌરવગાન ક૨તાં અને માનવ-માનવ અને પ્રકૃતિતત્ત્વો વચ્ચે સમાનતા સ્થાપતાં ભારતીય મૌખિક લોકસાહિત્યનાં વિરલ લોકમહાકાવ્યો છે. અને આ પારંપરિત લોકધર્મી-મહામાર્ગી-સમતાવાદી જીવનદર્શનધર્મદર્શનમાંથી આજનો નારીવાદી દાર્શનિક પણ પોતાનાં નવાં જીવનમૂલ્યો ઘડી શકે છે.
ભીલ સમાજમાં વર્તમાનમાં પ્રચલિત પૂર્વકાલીન મહામાર્ગનાં મૂળ ઘણાં ઊંડાં છે. નિરંજન જ્યોતિસ્વરૂપ આદ્ય-શિવ-શક્તિથી આરંભી બૌદ્ધ ધર્મના નિર્વાણ, જૈન ધર્મના કૈવલ્ય તથા વિષ્ણુ અને આજના રામદેવપીરની અવતાર પૂજા સુધી મહામાર્ગની ઘટા ફેલાયેલી છે. આથી તો ભીલ રામકથા રૉમસીતમા અને જૈન રામકથા ઉત્તરપુરાણમાં અનેક ઘટના-પ્રસંગોમાં ઘણી બધી રીતે સમાનતા વર્તાય છે.
જૈન ધર્મમાં વર્ષાઋતુના ચાર માસ છોડીને શ્રમણો માટે પાદ-વિહાર આવશ્યક હોવાથી શ્રમણોએ નગર, ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં પણ વિહાર કર્યો છે. આથી આદિવાસીઓ સાથે પણ શ્રમણો સંપર્કમાં આવ્યા છે. આ કારણે બંનેનાં જીવનદર્શન-ધર્મદર્શનનું આદાન-પ્રદાન થયું છે. આથી જૈન ધર્મનાં કેટલાંક તત્ત્વો ભીલી રામાયણમાં તો ભીલોમાં પ્રચલિત મહામાર્ગધર્મનાં પણ કેટલાંક તત્ત્વો જૈન રામાયણમાં ભર્યાં છે.