________________
ભોગીલાલ સાંડેસરાનું જેને સાહિત્યમાં યોગદાન
117
પાટણ આવ્યા અને જૈન બોર્ડિંગમાં ઊતર્યા હતા. માત્ર ચૌદ વર્ષનો નવમા ધોરણમાં અભ્યાસ કરતો આ કિશોર ભોગીલાલ મુનિશ્રીને મળ્યો ત્યારે એની તેજસ્વિતાથી પ્રભાવિત થઈ એમણે મુનિશ્રી પુણ્યવિજયજી સાથે એનો મેળાપ કરાવ્યો. તે દિવસથી ભોગીલાલને જૈન સાહિત્યના અધ્યયન માટેની દિશા પ્રાપ્ત થઈ ગઈ. કાન્તિવિજયજી મહારાજ પાસે બહારગામથી હસ્તપ્રતોના થોકડા આવતા. સાંડેસરાને મન ફાવે તે હસ્તપ્રત જોવાની, ઘેર લઈ જવાની અને પોતે ઇચ્છે એટલો સમય રાખી, વાંચી પરત કરવાની છૂટ હતી. તે સમયે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક કેન્દ્ર તરીકે પાટણનું ઘણું મહત્ત્વ હતું તેથી આ મુનિઓને મળવા અને ધાર્મિક આદાનપ્રદાન કરવા જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા તેમજ ભારતભરમાંથી પણ પંડિતો અને વિદ્વાનો ત્યાં આવતા. એમની વચ્ચે થતા વાર્તાલાપો સાંભળવાનો મોકો સાંડેસરાને મળતો રહ્યો અને સંશોધનકાર્ય માટે રસ કેળવાતો ગયો. પાટણના પુસ્તકભંડારો પણ એમને અનૌપચારિક રીતે જોવા મળ્યા. પંડિત સુખલાલજી સાથે પણ પરિચય થયો. આવા મેધાવી જૈન મુનિઓના સાંનિધ્યમાં એમની પ્રતિભા પાંગરતી ગઈ. મુનિશ્રી પુણ્યવિજયજી પાસે હેમચંદ્રાચાર્યકૃત ‘પ્રાકૃત વ્યાકરણ” શીખવાનો એમને લ્હાવો મળ્યો.
પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદી, જેઓ પાટણની શાળામાં શિક્ષક હતા તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિ, મૌલિક સામગ્રીના અન્વેષણની સૂઝ, વસ્તુઓ અને વિચારોના આંતરસંબંધો સમજવાની અને સમજાવવાની કલ્પનાશક્તિ તથા અનેક વિદ્યાઓમાં વિહરતી એમની શાસ્ત્રવ્યુત્પત્તિ વગેરેનો સાંડેસરા પર ઊંડો પ્રભાવ પડ્યો. એમને સંશોધન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ અને ચૌદ વર્ષની નાની વયે એમનો પ્રથમ લેખ “પડીમાત્રાનો સમય” બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયો. આ સમયગાળામાં જ સંઘવિજયજી કૃત ‘સિંહાસન બત્રીસી'નું એમણે સંપાદન કર્યું, જે “સાહિત્ય' માસિકમાં ક્રમશ: છપાયું.
ઈ. સ. ૧૯૩૩માં તેઓ મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં બેઠા પરંતુ માત્ર ગણિતના વિષયને કારણે એકાધિક વખત નિષ્ફળ ગયા. પોતે કૉલેજના દરવાજા જોઈ શકશે નહીં એવી ઘેરી નિરાશામાં હતા ત્યારે યશવંત શુક્લના આગ્રહથી ફરી એક વાર પરીક્ષા આપવા તૈયાર થયા. એમના સદ્ભાગ્યે ગણિતના પેપરમાં પુછાયેલો ખોટો દાખલો મદદે આવ્યો અને બધા જ વિદ્યાર્થીઓને મળેલી છ માસની ગ્રેસને કારણે, આ ધક્કા ભેગા તેઓ મૅટ્રિકમાંથી બહાર નીકળ્યા. ૧૯૩૭માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી, દરેક વર્ષે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી ૧૯૪૩માં એમ.એ. થયા અને સાક્ષર “શ્રી કેશવ હર્ષદ ધ્રુવ' સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ખાસ મહત્ત્વની વાત એ છે કે તેઓ મૅટ્રિકમાં હતા ત્યારે ઈ. સ. ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ, એમણે સંપાદિત કરેલું, માધવ કવિરચિત વૃત્તબદ્ધ કાવ્ય “રૂપસુંદર કથા' પ્રકાશિત કર્યું હતું. જ્યારે તેઓ એમ.એ.માં ભણતા હતા ત્યારે પોતે જ સંપાદિત કરેલું આ પુસ્તક ભણવામાં આવ્યું હતું.
ઈ. સ. ૧૯૪૩થી ૧૯૫૧ સુધી ગુજરાત વિદ્યાસભામાં એમણે અધ્યયન-અધ્યાપનનું કાર્ય કર્યું ત્યાં એમને શ્રી રસિકલાલ પરીખ જેવા વિદ્વાનનું સાંનિધ્ય સાંપડ્યું. અહીં એમની ચિંતક, સંશોધક, સંપાદક અને અનુવાદક તરીકેની શક્તિઓનો ખૂબ વિકાસ થયો. વૈષ્ણવ કુટુંબમાં ઊછરેલા હોવા છતાં સાંડેસરાને બાળપણથી જ જૈન મુનિઓ સાથે સહવાસની તક મળી હતી તેથી જૈન સાહિત્ય