________________
યુગદ્રષ્ટા આચાર્યશ્રી માત્ર ભાવનાનું દર્શન કરીને ઇતિશ્રી માને તેમ નહોતા. એમને તો એમની ભાવનાને વાસ્તવની ધરતી પર સાકાર કરવી હતી. લક્ષ્મીમંદિરોને બદલે હવે સરસ્વતીમંદિરો સર્જીને આવતી પેઢીને અને જૈનસમાજને વિદ્યાના પ્રકાશથી દીપ્તિમંત કરવો હતો. એમણે જોયું કે ગામડાં કે નાનાં શહેરોમાં વસતા તેજસ્વી જૈન વિદ્યાર્થીઓને મુંબઈ જેવા શહેરમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરવાનું અતિ મુશ્કેલ બને છે. આ તેજસ્વી જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણમાં આગળ વધવું છે, પરંતુ શહેરમાં રહીને એનો ખર્ચો ઉઠાવી શકે તેમ નથી. આવી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને આર્થિક તેમજ બીજી સવલતો આપીને એમનો ઉચ્ચશિક્ષણનો અભ્યાસ નિર્વિઘ્ન ચાલે તેવો વિચાર આચાર્યશ્રીએ પ્રગટ કર્યો. રૂઢિબદ્ધ એવા સમાજે એનો વિરોધ કર્યો. દોષદર્શી લોકોને
ક્યાં મુદ્દા શોધવા જવા પડે તેમ છે ? પરંતુ ક્રાંતદ્રષ્ટા આચાર્યશ્રી અને જાગ્રત અને વિચારશીલ આગેવાનોએ મળીને એક સંસ્થાના સર્જનની કલ્પના કરી અને એને પરિણામે વિ.સં. ૧૯૧૯ના ચાતુર્માસ દરમિયાન મુનિરાજ શ્રી વલ્લભવિજયજીએ જૈનસમાજની ઊછરતી પેઢી ઉચ્ચશિક્ષણમાં અન્ય સમાજોથી પાછળ ન રહી જાય એ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરવાની પ્રેરણા આપી.
ભાયખલા લવલેન, તારાબાગમાં ભાડાના ઘરમાં પંદર વિદ્યાર્થીઓ સાથે ઈ. સ. ૧૯૧૪ની બીજી એપ્રિલ(વિ. સં. ૧૯૭૦ની ફાગણ સુદી પાંચમ) ને સોમવારે એનો મંગલ પ્રારંભ થયો. આ મંગલ પ્રારંભ સાથે આચાર્યશ્રીએ આ સંસ્થાનું નામ કોઈ વ્યક્તિવિશેષને બદલે તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીના નામ પર રાખ્યું. આમ આ સંસ્થાનો પ્રારંભ ક્રાંતદ્રષ્ટા આચાર્યની પ્રેરણાથી અને એનો વિકાસ એના સંનિષ્ઠ કાર્યકરોથી થયો. વડમાંથી જેમ વડવાઈઓ પ્રગટે તે રીતે આજે આ સંસ્થા વિશાળ રૂપ પામી છે.
આ ગ્રંથ પ્રકાશનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ શ્રી કીર્તિલાલભાઈ દોશીનો સદા દૃષ્ટિપૂર્ણ અને ઉત્સાહભર્યો સહકાર સાંપડ્યો છે, એ જ રીતે સંસ્થાના મંત્રીઓ સર્વશ્રી શ્રીકાંત એસ. વસા, સુબોધરત્ન સી. ગારડી, અરુણ બી. શાહે પણ આ કાર્યમાં સતત સહયોગ આપ્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના શતાબ્દી મહોત્સવ સમયે જેમનો શતાબ્દી ઉત્સવ ઊજવવાની સહુ કોઈને હોંશ હતી એવા સંસ્થાના પૂર્વ પ્રમુખ આદરણીયશ્રી દીપચંદભાઈ ગાર્ડની ખોટ સંસ્થા અને સહુ કોઈ અનુભવે છે. એમના જીવનકાર્યને અંજલિ આપતો “માનવતાની મહેક' નામનો એક લેખ આ ગ્રંથમાં મૂક્યો છે. આ ગ્રંથ માટે કલામય ચિત્રો ઉપલબ્ધ કરી આપનાર શ્રી કીર્તિલાલભાઈ દોશી તથા કોબાના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આવેલા શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના અમે ઋણી છીએ.
આશા રાખું છું કે આ ગ્રંથ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સાહિત્ય, સંશોધન અને તત્ત્વદર્શનની પ્રસારની વિશિષ્ટ પ્રવૃત્તિનું એક ઊજળું પૃષ્ઠ બની રહેશે. તા. ૧-૧-૨૦૧૫
- કુમારપાળ દેસાઈ