________________
સંપાદકનું નિવેદન યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની સમાજોન્નતિની શુભ ભાવના તથા પ્રતાપી પ્રેરણાથી આજથી એકસો વર્ષ પૂર્વે સર્જાયેલી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય એના શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહી છે, ત્યારે આ મહોત્સવની યાદગીરી રૂપે એની પરંપરા મુજબ ગ્રંથપ્રકાશન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તે સંદર્ભમાં સાહિત્ય, ચરિત્ર, નિબંધ અને ચિંતનની લેખસામગ્રી ધરાવતો એનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જ્યારે એનો શિક્ષણ, સંશોધન, વિવેચન અને તત્ત્વચિંતનની લેખસામગ્રી ધરાવતો આ બીજો ભાગ પણ પ્રગટ થઈ રહ્યો છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પચીસમા વર્ષે “રજત મહોત્સવ સ્મારક ગ્રંથ', પચાસમા વર્ષે સુવર્ણ મહોત્સવ ગ્રંથ અને પંચોતેરમા વર્ષે “અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ' પ્રગટ કર્યા હતા. આ ગ્રંથોની વિશેષતા એ રહી કે એમાં સમાજના અગ્રણી સર્જકો, સંશોધકો અને વિચારકોના લેખો સંગૃહીત કરવામાં આવે છે, જે ભવિષ્યની આવનારી પેઢીને એના અભ્યાસમાં, સંશોધનમાં અને જ્ઞાનવૃદ્ધિમાં ઉપયોગી બની રહે છે. એ પરંપરામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગને અનુલક્ષીને આજે આ બે ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યા છે. આ બીજા ભાગમાં સંશોધકો અને વિદ્વાનોના બેતાલીસ જેટલા લેખો સમાવવામાં આવ્યા છે. એ સર્વ વિદ્વાનોના અમે આભારી છીએ. આપણા પ્રસિદ્ધ સંશોધક શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રકાંડ વિદ્વાન નગીનભાઈ જી. શાહે નાદુરસ્ત તબિયતે પણ આ ગ્રંથને માટે લેખો આપ્યા હતા, જેઓ આજે ગ્રંથ-પ્રકાશન સમયે આપણી વચ્ચે નથી, તેની સખેદ નોંધ લઈએ છીએ. - શ્રી મહાવીર જૈન વિદ્યાલયની એક પરંપરા રહી છે કે એ એના દરેક મહત્ત્વના પ્રસંગે સમૃદ્ધ સાહિત્ય અને વિચારસામગ્રી આપતો ગ્રંથ પ્રગટ કરે છે અને એ રીતે આ સરસ્વતીમંદિર સહુને સરસ્વતીનો પ્રસાદ વહેંચે છે. એ જ્ઞાનાભિમુખ ગૌરવભરી પરંપરા અત્યારે પણ જળવાઈ રહી છે તેનો આનંદ છે.
પોતાના સમયના યુગધર્મને પારખનાર અને આવતા યુગને વિકાસની દૃષ્ટિએ જોનાર ક્રાંતદ્રષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે એક શતાબ્દી પૂર્વે વિચાર્યું કે જો જૈનકુટુંબ કે જૈનસમાજે સંસ્કારી, ચારિત્ર્યશીલ અને ધર્મસંપન્ન હશે, તો જ જૈન ધર્મ અને શ્રીસંઘ વધુ પ્રભાવશાળી બનશે. આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી આ પરિસ્થિતિ વિદારવા માટે અવિરત પુરુષાર્થ કરતા હતા. એના ફળરૂપે એમની પ્રેરણાથી સર્જાયેલા વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીના સુભગ સમન્વયથી સુવાસિત એવાં વિદ્યામંદિરો અને સેવાસંસ્થાઓ આજે જોવા મળે છે. યુગદર્શી આચાર્યશ્રીના મનમાં સતત એક જ વાત ઘોળાતી હતી કે,
જૈનશાસનની વૃદ્ધિ માટે જૈન વિશ્વવિદ્યાલય નામે એક સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનોનો વધારો થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુઃખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઇચ્છું છું.” (વિ.સં. ૨૦૦૯, મુંબઈ)
[X].