________________
86
ગુણવંત બરવાળિયા કારણે માત્ર જૈન સાહિત્યને જ નહિ, પરંતુ વિશ્વના દર્શન સાહિત્યને એક અમૂલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનનાં અંધારાં દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર તથા વિચારદર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ માર્મિક વિવેચન આગમમાં છે. તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી શકાય.
પાપવૃત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિનાં શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે દર્શાવવા હિંસા આદિ દૂષણોનું પરિણામ દેખાડી અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સગુણોની પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે.
આગમના નૈસર્ગિક તેજપુંજમાંથી એક નાનકડું કિરણ મળે તો પણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમ સૂત્રો આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી સૂત્રબદ્ધ કરેલાં આગમો જીવના કલ્યાણ મંગલ માટે, વ્યક્તિને ઊર્ધ્વપંથનો યાત્રી બનાવવા માટે પ્રેરણાના પ્રકાશ પાથરે છે.
અનાદિકાળથી આત્મા પર લાગેલી કર્મરજને સાફ કરવાની પ્રક્રિયા એટલે આત્મસુધારણા. આત્મા પર કર્મ દ્વારા વિકૃતિ અને મલિનતાના થર જામ્યા છે જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને જોઈ શકતો નથી. અપાર શક્તિના સ્વામી આત્માનાં દર્શન થઈ જાય તો સંસારનાં દુઃખો અને જન્મમરણની શૃંખલામાંથી મુક્તિ મળી જાય. અંગ, ઉપાંગ, છેદસૂત્ર, પન્ના, મૂળસૂત્ર અને પ્રકીર્ણક વગેરેમાં ૩૨ અથવા અને ૪૫ આગમાં સમાવિષ્ટ છે.
શ્વેતામ્બર જૈનોએ આગમનો ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો રૂપે સ્વીકાર કર્યો છે. દિગંબર જેનોની માન્યતા છે કે ભગવાન મહાવીર પછી નવસો એંશી વર્ષ બાદ આગમને લિપિબદ્ધ કરવામાં આવ્યાં એટલે એ ભગવાનની પ્રત્યક્ષ દેશના રૂપે સ્વીકારી શકાય નહીં.
લગભગ બે હજાર વર્ષ પહેલાં દિગંબર મુનિ કુંદકુંદાચાર્ય થઈ ગયા. એ મહાન લબ્ધિધારી આચાર્ય શંકાના સમાધાન અને જ્ઞાનપ્રાપ્તિ અર્થ સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિરહમાન તીર્થકર સીમંધર સ્વામી પાસે ગયા. ત્યાં આઠ દિવસ ઉપવાસ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી. ત્યાંથી આવીને સીધા તામિલનાડુના બંડેવાસી ગામની પુનટમલય ગુફામાં બેસીને સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની રચના કરી. દિગંબર પરંપરાએ એનો પરમાગમ શાસ્ત્રો રૂપે સ્વીકાર કર્યો છે. છતાંય જૈનોના તમામ ફિરકાઓ, સમસ્ત જૈનોએ અને વિશ્વના અનેક વિદ્વાનોએ આગમનો જૈન તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટ સાહિત્ય રૂપે તો સ્વીકાર કર્યો જ છે.
આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ઠેર ઠેર જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયાનો નિર્દેશ છે.
આગમશાસ્ત્રો જૈન શાસનના બંધારણનો પાયો છે. જૈન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી આપવાના સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશ