________________
७१
પ્રાંતે અંતરની શુભભાવના વ્યક્ત કરું છું કે જે રીતે ઋષિદત્તામહાસતીએ ગુણોની સુવાસથી પોતાનું જીવન મઘમઘાયમાન બનાવ્યું અને અતિવિકટ પરિસ્થિતિમાં પણ શીલનું રક્ષણ કર્યું અને મહાસતી તરીકે ખ્યાતિ મેળવી, તેથી દરરોજ પ્રાતઃકાળે રાઈ પ્રતિક્રમણની ક્રિયા પૂર્વે ભરહેસર-બાહુબલીની સઝાયમાં મહાત્માઓ પણ આ મહાસતીનું નામસ્મરણ કરી રહેલ છે. પૂર્વ જન્મોમાં પોતે ઇર્ષ્યા-મત્સર-અભ્યાખ્યાન આપવા દ્વારા જે કર્મ બાંધેલું તેનાથી સંસારમાં પરિભ્રમણ કરવું પડ્યું. પ્રાંતે ઋષિદત્તાના ભવમાં અવશેષ રહેલું કર્મ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે ધીરજ અને સમતાપૂર્વક તે કર્મને આ મહાસતીએ ખપાવ્યું. કોઈના ઉપર લેશ માત્ર કોપ કર્યો નથી કે અણગમો દર્શાવ્યો નથી, પોતાના ગુણોની ઉદારતાના દર્શન જ કરાવ્યાં છે, અંતે સુખના દિવસોમાં ભોગ ભોગવવાનો સમય આવ્યો ત્યારે પણ મેઘવૃંદને જોઈને પદાર્થોની ક્ષણભંગુરતા અને અનિત્યતાને નીહાળી વૈરાગ્યભાવનાથી ભાવિત બને છે. ગુરુમહારાજની દેશના સાંભળી કનકરથરાજા અને ઋષિદત્તા બંને ચારિત્ર અંગીકાર કરી ક્રમે ૧૪પૂર્વી અને ૧૧ અંગના પાઠી બની, ઉગ્ર તપશ્ચર્યા કરી ગુરુભગવંત સાથે વિહાર કરતાં કરતાં દશમા શીતલનાથ પરમાત્માની જન્મભૂમિ ભદ્રિલપુરમાં પધારે છે ત્યાં બંનેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેશના દ્વારા અનેક જીવોને પ્રતિબોધીને નમિનાથ
પરમાત્માના શાસનમાં આ બંને જીવો મોક્ષમાં જાય છે. આવા ઉત્તમ પુરુષોના જીવનમાંથી આપણે સૌ ગુણોની સુવાસ મેળવી જીવનને ગુણી બનાવી, ભવથી નિર્વેદ પામી, સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીને આરાધી સાધીને અસંગભાવ કેળવી, ક્ષપકશ્રેણિ દ્વારા ઘાતી કર્મોને ખપાવી કેવલજ્ઞાન પામીને શેષ અઘાતી કર્મોનો ક્ષય કરીને શાશ્વતકાળ સુધી સિદ્ધિસુખના ભોક્તા બનીએ એ જ શુભકામના !!
शिवमस्तु सर्वजगतः
એફ-૨, જેઠાભાઈ પાર્ક,
નારાયણનગર રોડ,
પાલડી, અમદાવાદ-૭ ફાગણવદ ૮, વિ.સં. ૨૦૬૭, શનિવાર, તા. ૨૬-૩-૨૦૧૧.
datta-t.pm5 2nd proof
પરમપૂજ્ય પ્રવર્તિની સાધ્વી રોહિતાશ્રીજીમહારાજની શિષ્યાણુ – સાધ્વી ચંદનબાલાશ્રી