________________
વસંતવિલાસ એક પરિચય !!
ચંદ્રગચ્છના પરમપૂજ્ય હરિભદ્રસૂરિમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય બાલચંદ્રસૂરિમહારાજ થયા. તેઓ મોઢેરાના મોઢ બ્રાહ્મણ હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ મુંજાલ હતું. તેમના પિતાનું નામ ધરાદેવ અને માતાનું નામ વિદ્યુત-વિજળી હતું. ધરાદેવ જૈન શાસ્ત્રોના જાણકાર હતા. મુંજાલે પણ પૂજય આચાર્ય શ્રીહરિભદ્રસૂરિમહારાજની વાણી સાંભળીને માબાપની અનુમતિથી દીક્ષા લીધી. ચૌલુક્ય રાજગુરુ પદ્માદિત્ય તેમના અધ્યાપક હતા. વાદીદેવસૂરિના ગચ્છના પરમપૂજ્ય આચાર્ય શ્રીઉદયસૂરિમહારાજે તેમને સારસ્વત મંત્ર આપ્યો હતો. એકવાર યોગનિદ્રામાં રહેલા અને સરસ્વતીનું ધ્યાન કરતાં પરમપૂજ્ય બાલચંદ્રસૂરિમહારાજ પાસે આવીને શારદાએ કહ્યું કે “વત્સ ! બાલ્યકાળથી તે કરેલા સાસ્વતધ્યાનથી હું પ્રસન્ન થઈ છું. જેમ પૂર્વે કાલિદાસ આદિ મારી ભક્તિથી કવીન્દ્રો થયા તેમ તું પણ થઈશ.”
વસંતવિલાસ મહાકાવ્યના પ્રારંભમાં આ રીતે પોતાનો પૂર્વવૃત્તાન્ત આપીને બાલચન્દ્ર કવિ કહે છે કે દેવી સરસ્વતીની એ કૃપાથી આ કાવ્ય રચું છું. ચૌદ સર્ગના આ કાવ્યમાં વસ્તુપાલનાં પરાકમો અને તેમના સત્કૃત્યોનું વર્ણન છે. સોમેશ્વરકવિ, હરિહરકવિ અને બીજા સમકાલીન કવિઓ વસ્તુપાલને વસન્તપાલ પણ કહેતા હતા. આથી આ કાવ્યનું નામ બાલચન્દ્રકવિએ વસંતવિલાસ રાખ્યું છે. આમાં પ્રારંભમાં કવિએ આત્મકથા કહ્યા પછી અણહિલવાડનું વર્ણન કર્યું છે તથા મૂલરાજથી ભીમદેવ અને વિરધવલ સુધીના રાજાઓની ઐતિહાસિક વૃત્તાન્ત આપ્યો છે. પછી વસ્તુપાલ-તેજપાલની મંત્રી તરીકે થયેલી નિમણૂકનું, ભરૂચના શંખરાજા સાથે વસ્તુપાલના યુદ્ધનું અને શંખના પરાજયનું વર્ણન ક્યું છે. ઋતુઓ, કેલિ તથા સૂર્યોદય અને ચન્દ્રોદયનાં રૂઢ વર્ણન કર્યા પછી કવિએ વસ્તુપાલની યાત્રાઓનું વર્ણન કર્યું છે. છેવટે વસ્તુપાલનાં અનેક સત્કૃત્યોનું ગુણસંકીર્તન કરીને કવિએ સદ્ગતિ સાથેના તેના પ્રાણિગ્રહણનું વર્ણન કરેલું છે.
વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહ-જયંતસિંહના વિનોદ અર્થે આ કાવ્ય રચાયું હતું. આમાં વસ્તુપાલના મરણનો ઉલ્લેખ પણ આવે છે, એટલે સં. ૧૨૯૬માં વસ્તુપાલનું મરણ થયા પછી આ કાવ્ય રચાયું હોવું જોઈએ.