________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
સંગ્રામસૂર રાજાનું દૃષ્ટાંત ઃ– એક સંગ્રામસૂર નામનો રાજા હતો. તેણે સમુદ્રની અંદર રાજકન્યાને જોઈ તેને લેવા માટે ગયો. ત્યાં તેને મરણાંત સંકટ આવ્યું. ત્યાં રાક્ષસે એમ કહ્યું કે તું મારી પ્રતિમાને બનાવીને પૂજ, નહિં તો તને હું ખાઈ જઈશ. તે કહે ભલે મારા પ્રાણ જાય પણ હું તેમ કરવાનો નથી. પછી તે રાક્ષસે કહ્યું કે વિષ્ણુ સાથે જિનપ્રતિમા છે તેને પ્રણામ કરી પૂજન કર; નહીં તો હું આ કન્યાનું ભક્ષણ કરીશ. તે સાંભળી કુમાર બોલ્યો કે “કલ્પાંત કાળે પણ તારા કહેવા પ્રમાણે હું કરવાનો નથી, તો શા માટે વારંવાર પૂછ્યા કરે છે.’’ આ પ્રમાણે તેના દૃઢ નિશ્ચયથી સંતુષ્ટ થયેલો રાક્ષસ તરત જ પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરીને બોલ્યો કે ‘હે સાહસિક શિરોમણિ ! ઇન્દ્રે કરેલી તારી પ્રશંસાને નહીં માનતો એવો હું તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. તારા પ્રસાદથી મને પણ સમકિત પ્રાપ્ત થયું છે. પછી તે દેવ રાજકન્યા સાથે સંગ્રામશૂરના ગાંધર્વ લગ્ન કરાવી પોતાના સ્થાને ગયો.
સંગ્રામસૂર રાજા સમકિત શુદ્ધિ અર્થે બે યત્નાને વિષે સાવધાન ચિત્તવાળો થઈને કષ્ટમાં પણ અહિંસાદિક નિયમો પાળી પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી એક અવતાર લઈ મોક્ષપદને પામશે. ત્રીજો ભેદ કે તેમને ગુરુભાવે ભજે નહીં, ચોથો ભેદ તે કુગુરુ કુદેવને ભલા જાણી ઘણીવાર પૂજ્યબુદ્ધિએ દાન આપે નહીં. આવી ચઢે તો અનુકંપાબુદ્ધિથી આપી છૂટે. તેમની સાથે વાત કરે નહીં એ પાંચમો ભેદ અને તેમની સાથે પરિચય વધારે નહીં એ જતનાનો છઠ્ઠો ભેદ છે. સદેવગુરુને વંદન, પૂજન વગેરે ક૨વામાં આત્મલાભ જાણી તથા કુગુરુ કુદેવને વંદનાદિ કરવાથી મિથ્યાત્વને પોષણ મળતું જાણી તજે. એમ લાભ-અલાભનો વિચાર કરી વ્યવહારથી જતનાને સમ્યગ્દષ્ટિ જીવ પાળે છે.
કુગુરુ ભજન, તેને દાન, વાત, પરિચયનો ત્યાગ. મિથ્યાત્વે કરીને લિક્ષ છે ચિત્ત જેના એવા તાપસોને ગુરુભાવે ભજી તેમને કુશળ પૂછવું કે તેમને ગુરુમાની ધર્મબુદ્ધિથી એકવાર અથવા અનેકવાર ભોજનાદિ આપવું, તે મિથ્યાત્વને પોષણ આપનાર છે. પણ તે ક્રિયાનું વર્જવું તે સમકિતની ત્રીજી અને ચોથી યત્ના કહેવાય છે. તેમજ તે મિથ્યાત્વીઓ સાથે વાત કરવી નહીં કે પરિચય વધારવો નહીં. તે સમકિતશુદ્ધિની પાંચમી તથા છઠ્ઠી યત્ના કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત—
સદ્દાલપુત્રનું દૃષ્ટાંત :– પોલ્લાસપુર નામના નગરમાં સદ્દાલપુત્ર નામનો શ્રાવક રહેતો હતો. તે ગોશાળાના નિયતવાદને માનનાર હતો. તે ગોશાલકને ગુરુ માનતો હતો. પણ એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યો. તે કુંભાર હોવાથી ભગવાને તેને પૂછ્યું કે હે સદ્દાલપુત્ર! આ માટીના વાસણો કેમ બનાવ્યા? તે કહે માટીનો પિંડ ચક્ર ઉપર મૂકીને તૈયાર કર્યા છે ? ભગવાને કહ્યું આ તો ઉદ્યમથી તૈયાર કર્યા કે ઉદ્યમ વિના? ત્યારે નિયતવાદ પ્રમાણે એણે કહ્યું કે તે ઉદ્યમ વિના થાય છે. ફરી ભગવાને પૂછ્યું-એ વાસણો કોઈ ફોડી નાખે તો તેને તું શું દંડ કરે ? ત્યારે પોતાના નિયતવાદ પ્રમાણે તો જે થવાનું હોય તેમ થાય છે તે વાત મૂકી હું તેને તર્જના કરું. ત્યારે ભગવાને કહ્યું જે કંઈ પણ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે. છતાં ઉદ્યમ વિના થાય છે એમ તારું કહેવું મિથ્યા છે. એકાંતે માનેલું સર્વ અસત્ય છે. પણ સ્યાદ્વાદથી માને તે જ સત્ય છે. ઇત્યાદિ ભગવાનની યુક્તિથી પ્રતિબોધ પામેલા શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રી સહિત શ્રાવકના વ્રત અંગીકાર કર્યા અને ગોશાળા પ્રત્યેની શ્રદ્ધાનો ત્યાગ કર્યો.
૧૮૨
હવે એકવાર સદ્દાલપુત્રને ત્યાં ગોશાળો આવ્યો. પણ તેને ગુરુભાવે સેવ્યો નહી. પણ તેની સામે મહાવીર ભગવાનના યથાર્થ ગુણગાન કર્યા અને બોલ્યો કે તમને ભોજન, વસ્ત્ર વગેરે જે આપું છું તે ધર્મબુદ્ધિથી આપતો નથી એમ કહી તેની સાથે વિશેષ વાત પણ કરી નહીં તથા પરિચય પણ વધાર્યો નહીં.