________________
શ્રી સદગુરવે નમો નમઃ પ્રજ્ઞાવબોઘ-વિવેચન (પ્રજ્ઞાવબોધ -મોક્ષમાળા પુસ્તક ચોથું)
પ્રથમ પુષ્પ
(૧) હિત-પ્રેરણા (શિખરિણી)
જય પ્રજ્ઞા-પૂર્ણ પ્રભુ, પરમ હિતસ્વ જગને. દયાદ્રષ્ટિ યાચું, અરજ મુજ આ આપ ચરણે; મહા મુક્તિમાર્ગ પ્રગટ કરતા રાજગુરુને
નમીને, ઇચ્છું છું અનુસરણ આ આપ ચરણે. ૧ અર્થ:- હે પ્રકૃષ્ટ જ્ઞાનથી પૂર્ણ એવા પ્રજ્ઞાવંત પરમકૃપાળુ પ્રભુ! આપનો સદા જય હો, જય હો. આપ તો જગત જીવોના પરમ હિતસ્વી છો; અર્થાત્ જગત જીવોના સર્વોત્કૃષ્ટ આત્મહિતના કરનાર છો. માટે આપના ચરણકમળમાં મારી આ અરજ છે કે આપની દયામય કૃપાદ્રષ્ટિ સદા મારા જેવા પામર પર વરસ્યા કરો. તેમજ હું પણ, સર્વ દુઃખથી મુક્ત થવાનો મહાન મુક્તિમાર્ગ જે આ વિષમકાળમાં પ્રાયે લુપ્ત જેવો થઈ ગયો છે, તેને પ્રગટ કરનાર એવા આપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવના ચરણકમળમાં નમસ્કાર કરીને, આપની આજ્ઞાનું જ અનુસરણ કરવાને ઇચ્છું છું; તે આપની કૃપાએ સફળ થાઓ, સફળ થાઓ. એવા
પ્રભુ, પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા, જવા જૂના માર્ગો દુખદ ફળ દેનાર અથવા, થવાને નિર્મોહી, સ્વહિતરત, નિઃસ્વાર્થી બનવા,
નવા આનંદોથી સ્વ-પર-શિવ સાથી સુખી થવા. ૨ અર્થ - હે પ્રભુ! આપ સર્વ જીવોને અનંતસુખ આપનાર એવી નિજવસ્તુ તે શુદ્ધ આત્મા, તેને સમજવાની પ્રેરણા આપો. તથા રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધાદિ વિકારીભાવો જે અનાદિના જાના માર્ગો છે તેને હવે ભૂલી જવાની ભાવના અંતરમાં પ્રગટાવો, કેમકે તે જીવોને દુખદફળ એટલે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવની ચારે ગતિઓમાં દુઃખના ફળને જ આપનાર સિદ્ધ થયા છે.
અથવા હે પ્રભો! અમને દેહાદિમાં અહંભાવ તથા પરપદાર્થમાં મમતાભાવરૂપ મોહ છે તે છોડી નિર્મોહી થઈ સ્વઆત્મહિતમાં જ રત એટલે લીન રહીએ એવી પ્રેરણા કરો. તેમજ ભક્તિ, સ્વાધ્યાય, તપ, જપાદિ પણ, આ લોક પરલોકના સુખનો સ્વાર્થ મૂકી દઈ માત્ર આત્માર્થે નિઃસ્વાર્થપણે આરાઘવાની ભાવના ઉપજાવો. તથા નવા સાચા આત્મિક નિર્દોષ આનંદવડે સ્વ-પરનું શિવ એટલે કલ્યાણ સાથી અમે