________________
એક શિષ્યને ગુરુ બોલાવે છે. શિષ્ય ગુરુનાં શ્રીચરણોમાં વન્દન કરે છે. પૂછે છે : “ભગવદ્ ! શી આજ્ઞા ? ફરમાવો !” ગુરુદેવે કહ્યું : “ગંગા નદી કઈ બાજુ વહે છે, કઈ દિશા તરફ વહે છે, તે જોઈ આવ.' શિષ્ય ‘તત્ત' કરીને ગુરુદેવનું વચન સ્વીકાર્યું. કપડોકાંબળી ઓઢી, હાથમાં દાંડો લઈ તેઓ ત્રણ-ચાર ગાઉ દૂર આવેલ ગંગા નદીના પ્રવાહ પાસે પહોંચ્યા. પા કલાક ત્યાં ઊભા રહ્યા. નદીના પ્રવાહમાં વહેતાં લાકડાં આદિ પૂર્વ દિશા ભણી વહેતા'તાં, એ પરથી નિશ્ચિત કર્યું કે ગંગાનો પ્રવાહ પૂર્વ ભણી વહે છે. બે-ચાર માણસોને પૂછીને પણ ખાતરી કરી. પાછા ફરી ઉપાશ્રયે આવ્યા. ઈરિયાવહી પડિક્કમી ગુરુદેવને વન્દન કરી તેમણે કહ્યું : “ભગવદ્ ગંગા નદી પૂર્વ ભણી વહે છે.”
મુનિરાજના મનમાં એ સવાલ નહોતો થયો કે ગંગાના પ્રવાહની દિશા જાણવાનું ગુરુદેવને શું કામ પડ્યું ? વળી, લગભગ લોકોને ખ્યાલ છે કે ગંગા નદી પૂર્વ તરફ વહે છે, તો આ વાતને ચકાસાવવાની ગુરુદેવને શું જરૂર પડી ?
નહિ, કોઈ પ્રશ્ન નહોતો મુનિરાજના મનમાં. નહોતો કોઈ વિચાર. સદ્દગુરુની આજ્ઞાને માત્ર ઝીલવાની ત્યાં વાત હતી. આજ્ઞાકાંક્ષાની પૃષ્ઠભૂ પર આજ્ઞાસ્વીકાર ત્યાં હતો.
પડદા પાછળની વાત આપણે જાણી શકીએ છીએ. એક રાજાને સવાલ થયેલો કે અમારા કર્મચારીઓ તો અમારી આજ્ઞા સ્વીકારે. કારણ કે અમે એમને તગડો પગાર આપીએ છીએ. ગુરુના શિષ્યો આ રીતે ગુરુની આજ્ઞા કેમ ઉઠાવે ?
શાસનપ્રભાવનાનું કારણ, આ ઘટનામાં, જોઈ આચાર્ય ભગવંતે કહ્યું : ‘તમારા જૂના, વિશ્વાસુ કર્મચારીને તમે એક આજ્ઞા આપો. મારા નવા શિષ્યને હું આજ્ઞા આપું. બન્નેની પાછળ તમારા જાસૂસો મૂકો.’
રાજાએ આ વાત સ્વીકારી. પોતાના વિશ્વાસુ કર્મચારીને બોલાવીને કહ્યું : “ગંગા નદી કઈ બાજુ વહે છે, તે જોઈ આવ.” પેલાએ કહ્યું : “જી. જઈ આવું.” બહાર નીકળીને એ વિચારે : ‘રાજાઓને નવરા બેઠાં તુક્કા જ સૂઝે છે ને ! બધા જાણે છે કે ગંગા નદી પૂર્વમાં વહે છે. પછી જોવાની જરૂરત જ ક્યાં છે ?” એ તો ઘરે જઈ ઊંઘી ગયો. પાંચ-છ કલાકે રાજા પાસે આવ્યો. કહે : “સાહેબ, જઈ આવ્યો. ગંગા નદી પૂર્વમાં વહે છે.’
રાજાના જાસૂસોએ પડદા પાછળની વાત રાજાને કહી. ત્યારે રાજાને જિનશાસનની આ આજ્ઞાસ્વીકારની પરંપરા પર અનહદ શ્રદ્ધા જાગી.
આજ્ઞાકાંક્ષા છે મઝાની પૃષ્ઠભૂ, જે પર આજ્ઞાસ્વીકાર થાય છે. અત્યાર સુધી આજ્ઞાનો સ્વીકાર થયો હશે, પણ એની પૃષ્ઠભૂ શું ? ખ્યાલ ન આવે એ રીતે પણ પૃષ્ઠભૂ પર અહંકાર પડેલ હોય છે.
ગુરુદેવ પોતાને સતત જોડે રાખે, તો શિષ્ય માટે, એ પરમ સૌભાગ્યની ઘટના છે... પણ એ સૌભાગ્યની ઘટનાને પણ ભીના ભીના હૃદયે સ્વીકારવી, એ ત્યારે બની શકે, જ્યારે આપણી બાજુ અહોભાવની ભૂમિકા હોય.
૧૦૦ % મોક્ષ તમારી હથેળીમાં
તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! છેક ૧૦૧