________________
કઈ છે એ વિધિ ?
આજ્ઞાકાંક્ષા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞાનું આરાધન (અવિરાધન) અને આજ્ઞાનું પાલન આ વિધિ છે.
પહેલું ચરણ : આજ્ઞાકાંક્ષા.
શ્રાવકને કલ્યાણમિત્રની આજ્ઞાની અને સાધુ ભગવંતને ગુરુદેવની આજ્ઞાની એક પ્રબળ ઝંખના હોય... ક્યારે સદ્ગુરુદેવ મને આજ્ઞા આપે ! શિષ્ય એ વખતે હોય ગુરુમુખ પ્રેક્ષી... એક પ્યાસ હોય છે સદ્ગુરુદેવની આજ્ઞાની. ક્યારે સદ્ગુરુદેવની કૃપા આજ્ઞારૂપે મારા પર વરસે !
બની શકે કે આજ્ઞા એકાદ પ્યાલો પાણી લાવવાની પણ હોય. પણ શિષ્યની દૃષ્ટિ એ વખતે હોય છે સદ્ગુરુ પર. સદ્ગુરુએ કહ્યું છે ને ! કેવો બડભાગી છું કે સદ્ગુરુદેવની આજ્ઞા મને મળી ગઈ.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત ઉદયસૂરિજી મહારાજના પ્રારંભિક સાધનાકાળની એક ઘટના યાદ આવે. ગુરુદેવ, મહાશાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાએ એક રાત્રે પ્રતિક્રમણ પછી આરામ ફરમાવતાં શિષ્યને યાદ કર્યો. બૂમ મારી : ઉદય ! શિષ્ય માટે આવી ઘટનાઓ જીવનની અવિસ્મરણીય ઘટનાઓ હોય છે. ઉદયવિજય મહારાજ કે પાછળથી ઉદયસૂરિ મહારાજ તરીકે એમને સંબોધનાર ઘણા હતા. પરંતુ ‘ઉદય’ કહીને ગુરુદેવ વિના બીજું કોણ સંબોધી શકે ?)
૯૬ મોક્ષ તમારી હથેળીમાં
પૂજ્ય ઉદયવિજય મહારાજ હાથમાં દંડાસણ લઈ પૂંજતાં પૂંજતાં ગુરુદેવ પાસે આવ્યા. અને એ વખતે ગુરુદેવ યોગનિદ્રામાં સરી ગયા. પૂરા દિવસનો શ્રમ... રાત્રે સંથારતી વખતે એકાદ વાત ઉદયવિજય મહારાજને કહેવાની યાદ આવી... ‘ઉદય !' કહીને બૂમ મારી. પણ ઉદયવિજય મહારાજ આવે એ પહેલાં તેઓ સંથારી ગયા.
શિષ્યની પાસે હતી આજ્ઞા માટેની તીવ્ર ઝંખના. ગુરુદેવ મને કઈ આજ્ઞા આપવા માગતા હશે. ગુરુદેવે બોલાવ્યો ને હું ગુરુદેવ પાસે આવી ગયો. હવે તેઓશ્રી ન કહે ત્યાં સુધી પોતાના આસન પર કેમ જવાય ?
રાતના નવથી સવારના ત્રણ સુધી ઉદયવિજય મહારાજ ગુરુદેવની પાટ પાસે ઊભા રહ્યા. ગુરુદેવ પાસે ઝૂકેલી મુદ્રામાં જ રહેવાય એ ખ્યાલ હતો. તેઓ છ કલાક ઝૂકેલી મુદ્રામાં ઊભા રહ્યા.
સવારે ત્રણ વાગ્યે ગુરુદેવ ઊઠ્યા ત્યારે શિષ્યને એ રીતે ઊભેલ જોઈને ખ્યાલ આવેલો કે પોતે રાત્રિના પ્રારંભમાં એને બોલાવેલ.
કેવી આજ્ઞાકાંક્ષા !
એ છ કલાક શું ઘૂંટાયું હશે પૂજ્ય ઉદયવિજય મહારાજના મનમાં ? ગુરુદેવશ્રી હમણાં યોગનિદ્રામાંથી ઊઠશે અને પોતાને આજ્ઞા ફરમાવશે...
ગુરુદેવ તરફથી આજ્ઞા મળે એ પહેલાં શિષ્ય પાસે આ આજ્ઞાકાંક્ષાનો તબક્કો હોવો અત્યંત જરૂરી છે.
આજ્ઞાકાંક્ષાની પૃષ્ઠભૂ પર આજ્ઞાસ્વીકાર કેવો સરસ સોહી રહે !
..
તુમ આણા શિર ધારી, ગુરુદેવ ! ૯૭