________________
25
પ્રમાણે આગમોની વહેંચણી થઈ છે. સર્વસિદ્ધાંતસ્તવમાં પીસ્તાલીસ આગમની સ્તુતિ કરવામાં આવી છે. સાધારણ રીતે ભગવાનની, ભગવાનની વાણીની, અતિશયોની સ્તુતિ જોવા મળે છે. પણ સિદ્ધાંતની—આગમની નામ દઈને સ્તુતિ થઈ હોય તેવી રચનાઓ અલ્પ માત્રામાં છે. જાણકારોના કથન મુજબ આ પ્રકારની પહેલી રચના સર્વસિદ્ધાંતસ્તવ છે. આગમ સિવાય કેટલાક મહત્વપૂર્ણ શાસ્ત્રોની સ્તુતિ પણ અહીં પ્રસ્તુત છે.
સર્વસિદ્ધાંતસ્તવના છેતાલીસ શ્લોકમાં પીસ્તાલીસ આગમના નામ અને સામાન્ય પરિચય આપવામાં આવ્યો છે. સાધારણ રીતે પીસ્તાલીસ આગમોનો ક્રમ ઉપર જણાવ્યો તે મુજબ પ્રચલિત છે. અહીં અલગ ક્રમથી સ્તુતિ કરવામાં આવી છે. ચાર મૂળ, નંદી અને અનુયોગદ્વાર, ઋષિભાષિત, અગ્યાર અંગ, બાર ઉપાંગ, દસ પયજ્ઞા, છ છેદસૂત્ર, દૃષ્ટિવાદ અને અંગવિદ્યા. ઋષિભાષિત અને અંગવિદ્યા પયજ્ઞામાં ગણાય છે. તેમને અહીં સ્વતંત્ર સ્થાન અપાયું છે.
સ્તુતિના પ્રારંભમાં સૂરિદેવે સુધર્મા સ્વામિને નમસ્કાર કર્યા છે. આમ જોવા જઈએ તો ગૌતમ સ્વામિને નમસ્કાર કરવા જોઈએ. કેમકે તેઓ પહેલા ગણધર છે. દરેક તીર્થંકરોના પહેલા ગણધરનું વિશેષ સ્થાન હોય છે. તો સુધર્મા સ્વામિને નમસ્કાર કેમ ? આ સ્તોત્રના અવચૂર્ણિકાર ‘પં. સોમોદયગણી’ જણાવે છે કે-‘અત્યારે જે આગમોનો પાઠ ચાલે છે તે સુધર્મા સ્વામિનો છે માટે તેમને પહેલા નમસ્કાર કર્યા છે.' પરમાત્મા શ્રી મહાવીરદેવની બે પ્રકારની પરંપરા છે. એક, પાટપરંપરા; બે, પાઠપરંપરા. પાટપરંપરા એટલે ગુરુશિષ્યની પરંપરા. પરમાત્મા શ્રી મહાવીરદેવ ગુરુ, શ્રીગૌતમસ્વામી, શ્રીસુધર્મા સ્વામી વગેરે શિષ્ય. પાઠપરંપરા એટલે આગમોના સૂત્રની વાચનાની પરંપરા. કલ્પસૂત્ર કહે છે કે—પરમાત્મા શ્રી મહાવીરદેવના ગણધર અગ્યાર અને ગણ નવ હતા. બે ગણધરોની સૂત્રરચના એક જ હતી તેથી તેમની અલગ ગણતરી નથી. સુધર્મા સ્વામી દીર્ઘાયુષી હતા તેથી શ્રીગૌતમસ્વામી વિ. ગણધરોએ પોતાના શિષ્ય શ્રી સુધર્મા સ્વામીને સોંપ્યા. તેમની શિષ્યપરંપરા સુધર્મા સ્વામીની શિષ્યપરંપરામાં વિલીન થઈ. તેમ પોતપોતાની સૂત્રપરિપાટી પણ સુધર્મા સ્વામિને સોંપી. તેથી તેમની પાઠપરંપરા પણ સુધર્મા સ્વામિની