________________
સૂકવવા માટે નથી તેમ મનગમતા પદાર્થો ખવડાવીને હૃષ્ટપુષ્ટ કરવા માટે પણ નથી જ.
ઇન્દ્રિયો અને મન સ્વચ્છ, સ્વસ્થ અને શાંત રહે એ રીતની આહાર-વ્યવસ્થા સ્વીકારવી જોઈએ. વાસના અને વિકારો પર નિયંત્રણ રાખી શકાય એ રીતે ખાવું-પીવું જોઈએ. શાંત અને પવિત્ર મનોભાવવાળું વાતાવરણ આત્માને પ્રસન્નતા, પવિત્રતા અને પ્રેમની દુનિયામાં લઈ જાય છે.
જ્યાં આપણે ઓછા-વત્તા અંશે આત્મભાવમાં ડૂબકી મારી શકીએ કે ડૂબી શકીએ!
આહાર અને આરોગ્યને; આહાર અને આત્માને ઘનિષ્ટ સંબંધ છે આહાર આરોગ્યને બગાડે પણ છે અને સુધારે પણ છે. આહાર આત્માને દૂષિત પણ કરે છે અને વિશુદ્ધ પણ કરે છે. જીવન જીવવા માટે આહાર અનિવાર્ય છે. આહારથી શરીર ટકે છે. શરીર નિરોગી હોય તો આત્માની સાધના સુપેરે થઈ શકે છે. આહારનું એક આગવું વિજ્ઞાન અને શાસ્ત્ર છે. આહારની તન-મન અને આત્મા પર નિર્ણયાત્મક અસર પડે છે. આ બધી બાબતોનો તલસ્પર્શી વિચાર કરીને કેટલોક આહાર નિષિદ્ધ કર્યો છે. મતલબ કે તે પદાર્થો અને વાનગીઓ તો ન જ ખવાય. અખાદ્ય-ન ખાવા યોગ્ય આહાર આ મુજબ છે:
રાત્રિભોજન ત્યાગઃ સૂર્યાસ્ત થયા પછી કશું જ ખાવું-પીવું ન જોઈએ. આ માત્ર ધાર્મિક નિયમ કે વિધિ નથી. આજના વિકસિત વિજ્ઞાને પણ રાત્રિભોજનના ત્યાગનો એકીસૂરે સ્વીકાર કર્યો છે. આધુનિક વિજ્ઞાને પ્રયોગોથી સિદ્ધ કર્યું છે કે સૂર્યના પ્રકાશથી કેટલાંય કૃમિ જીવો નષ્ટ થાય છે. નષ્ટ નથી થતાં તે કૃમિ જીવો પ્રકાશહીન જગામાં છુપાઈ જાય છે અને રાતના અંધારામાં તે બહાર આવે છે અને વાતાવરણમાં ફેલાઈ જાય છે. નરી આંખે ન દેખાતાં આ સૂક્ષ્મ જીવો ખોરાક સાથે પેટમાં જવાથી અજીર્ણ, અપચો, કબજીયાત, દાંતનો સડો વગેરે અનેકવિધ રોગો થાય છે.
બીજે, સૂર્યનો પ્રકાશ ન મળવાથી રાતે પાચનતંત્ર તદ્દન નિષ્ક્રિય બની જાય છે. આથી રાતે ખાધેલું ભોજન બરાબર પચતું નથી. તેથી હોજરી બગડે છે. તેમાં સડો થાય છે.
આમ આરોગ્ય અને અહિંસા બંને દ્રષ્ટિએ રાત્રિભોજનનો ત્યાગ કરવો હિતાવહ છે.
દ્વિદળ તથા વિરૂદ્ધ આહાર ત્યાગ: કાચા દૂધ અથવા દહીં સાથે કઠોળ-અનાજ ભેળવીને ખાવું તેને દ્વિદળ કહે છે. આયુર્વેદ અને શરીરશાસ્ત્ર સ્પષ્ટપણે માને છે કે અલગ અલગ પદાર્થને મેળવવાથી તેમાં રાસાયણિક સંયોજનાત્મક દ્રવ્ય પેદા થાય છે. તે વિજાતીય દ્રવ્ય ઝેર બનીને શરીરમાં પ્રસરી જાય છે. પરસેવા કે અન્ય રૂપે એ દ્રવ્ય બહાર નથી નીકળતું તેથી લોહીમાં ભળી જઈને એ લોહીને બગાડે છે અને ધીમે ધીમે તે ચામડીના રોગરૂપે બહાર ફૂટી નીકળે છે.
આથી કાચા દૂધ અને દહીંની સાથે મગ, અડદ, ચણા, ચોખા વગેરે કઠોળ સાથે ખાવા ન જોઈએ. આવા મિશ્ર ભોજનને જૈનધર્મ ‘દ્વિદળ' કહે છે. આવા દ્વિદળનું સેવન નહિ કરવું જોઈએ.
આ ઉપરાંત સ્વાથ્ય માટે ફ્રુટસલાડ, આઇસ્ક્રીમ, ફૂટ-શ્રીખંડ, દહી-ફૂટ વગેરે તેમજ “એન્ટીબાયોટીક’ દવાઓ પણ વિજાતીય સંયોજનોથી બને છે. આથી તેનો પણ ત્યાગ કરવો જોઈએ.
અલબત્ત એ બધામાં-ફૂટયુક્ત વાનગીઓમાં જીવોત્પત્તિની શક્યતા નથી પરંતુ આરોગ્ય માટે તે વાનગીઓ હાનિકારક હોવાથી વિરુદ્ધ આહાર હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ.
વાસી ભોજન ત્યાગ: આજે રાંધેલું ભોજન બીજા દિવસે ખાવું તે વાસી ભોજન છે. રાંધવાની આળસે કે સમયના અભાવે ઘણાં ઘરોમાં ભોજનને રાખી મૂકવામાં આવે છે અને એવું વાસી ભોજન બીજે કે ત્રીજે દિવસે પણ ખાવાના ઉપયોગમાં લે છે. વાસી ભોજનના જીવોત્પત્તિ થાય છે. તેમજ બીજા દિવસે તે ભોજન પોતાની સાત્વિકતા અને ગુણવત્તા ગુમાવી બેસે છે. આથી વાસી ભોજનનો ત્યાગ કરવો જોઈએ.
ઉપર્યુક્ત આહાર મનને વિકૃત કરે છે. વૃત્તિઓને ચંચળ બનાવે છે. આવેશ અને આવેગ વધારે છે. શારીરિક બિમારીઓ પણ સર્જે છે. આથી શ્રી જિનેશ્વર ભગવંતોએ વાસી આહારનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે. પર્વતિથિએ લીલા શાકભાજીનો ત્યાગ શા માટે?
ચંદ્ર અને પૃથ્વી વચ્ચે આકર્ષણનો સારો એવો સંબંધ છે. પૃથ્વી પરના પાણી પર ચંદ્રની વિશેષ અસર પડે છે. ચંદ્રની વધ-ઘટ સાથે ભરતી અને ઓટનો સમય પણ બદલાતો રહે છે.
ચંદ્રના પરિભ્રમણનો વિચાર કરીએ તો સુદ અને વદના પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ અને અમાસના દિવસોએ ચંદ્ર, પૃથ્વી અને શરીર ત્રણેય સીધી હરોળ-હારમાં આવી જાય છે. એ સમયે દરિયાના પાણીમાં અને શરીરમાં રહેલાં પાણીમાં ફેરફાર થાય છે. શરીરમાં પાણીનું તત્ત્વ વધે છે. અગ્નિ-તત્ત્વ મંદ થાય છે. વાયુ તત્ત્વ વધે છે. અને તે મગજમાં ચડે છે. તેના લીધે શરદી, સળેખમ, સાયનસ, એલર્જી વગેરે થવાની
२६