________________
સાવધાન ! “શક્તિસંપન્ન જૈનોએ સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી જોઈએ'' એ અમારો હંમેશનો ચાલ્યો આવતો જોરદાર પ્રચાર છે. આથી જ તપોવનનાં તમામ બાળકો હંમેશ સ્વદ્રવ્યથી જિનપૂજા કરે છે.
પણ સબૂર !
તેથી કોઈ એમ કહે કે દેવદ્રવ્યથી પૂજા કરવામાં દેવદ્રવ્યના ભક્ષણનું પાપ લાગે છે તો તે - પૂ. પાદ રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબના અનુયાયીઓની - વાતને કોઈ પણ શાસ્ત્રપાઠ મળતો નથી.
ઊલટું દેવદ્રવ્યમાંથી પણ પૂજાદિ થઈ શકે અને પૂજારીને પગારાદિ આપી શકાય તેવા ઢગલાબંધ શાસ્ત્રપાઠો મળે છે.
તેમજ અમારા સ્વર્ગીય ગુરુદેવો - પૂ. પાદ કમળસૂરીશ્વરજી મ.સા., પૂ. પાદ લબ્ધિસૂરીશ્વરજી મ.સા. (ખંભાત - ૧૯૦૬નું સંમેલન) તથા પૂજ્યપાદ સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. (આગમજ્યોત), પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ.સા. પૂ. પાદ પં. ભદ્રંકરવિજયજી મ. સા., પૂ.પાદ રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. પાદ કનકચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પૂ. પાદ જંબૂસૂરીશ્વરજી મ.સા. વગેરે અનેક મહાપુરુષોના લખાએલા પત્રોમાં આ વાતનું જોરશોરથી સમર્થન કરવામાં આવેલ છે.
આમ છતાં આ વાત ઉપર ગોકીરો મચાવવો; ૨૦૪૪ના સંમેલનીય આચાર્યોને ઉસૂત્રભાષી જાહેર કરવા; તેમને કુગુરુ કહેવા તે કેટલું ઉચિત ગણાય ! પોતે જ શાસ્ત્રોના જાણકાર છે; બાકીના બધા બોઘા છે તેવો વિચાર એકદમ અસ્થાને છે.
શ્રીસંઘના ભાઈ-બહેનો બરોબર સમજી રાખે કે અમારા દ્વારા રજુ કરાતી વાતો એકદમ શાસ્ત્રીય છે. એકદમ યથાર્થ છે.
શાસ્ત્રને આગળ કરીને ઝગડો જ કરવાની તેઓની મનોવૃત્તિ હોય તો તેના નિવારણનો કોઈ ઉપાય અમારી પાસે નથી.